વરસાદ દરમિયાન ટૉસ કેમ મોડો કરવામાં આવે છે? જાણો ક્રિકેટના નિયમો
ગુવાહાટીઃ પોણાબે મહિના સુધી ચાલતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને બે દાયકાથી ચોમાસાના ચાર મહિનાથી ખૂબ દૂર રાખવામાં આવી છે, પરંતુ આ વખતે કમોસમી વરસાદ માથાનો દુખાવો બની ગયો છે અને એનો લેટેસ્ટ કિસ્સો અહીં શુક્રવારે રાજસ્થાન રૉયલ્સ (આરઆર) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) વચ્ચેની મૅચ વખતે બન્યો જેમાં ટૉસ માટેની તૈયારી થઈ રહી હતી ત્યાં જ મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી દીધી હતી.
કેટલાક ક્રિકેટપ્રેમીઓમાં કેટલાક પ્રશ્નો છે કે વરસાદ (RAIN) ધીમો પડી રહ્યો હોય અને હવામાનમાં પણ સુધારો થઈ રહ્યો હોય ત્યારે મૅચ ભલે થોડી મોડી શરૂ થવાની હોય, પરંતુ ટૉસ (TOSS) કેમ વિલંબમાં મુકાતો હોય છે? કેમ મેદાનની બહાર બન્ને ટીમના કૅપ્ટનો પોતપોતાની ટીમ-શીટ સાથે આવી જાય અને મૅચ-રેફરી તેમ જ અમ્પાયરો સાથે ઍન્કર પણ ઊભા રહી જાય અને ટૉસ નથી કરી લેતા? કેમ સિક્કો ઉછાળવા માટે વરસાદ અટકવાની રાહ જોવાય છે? આવું કરીને સમયની બચત થાય અને નિરાશ બેઠેલા પ્રેક્ષકો તથા કરોડો ટીવી-દર્શકો પણ ઉત્સાહિત થઈ જાય. શા માટે ટૉસ મોડો રાખવામાં આવે છે? કેમ આમાં નિયમ નથી બદલવામાં આવતો?
જોકે કેટલાક ક્રિકેટ-નિષ્ણાતોનું કહેવું છે કે `મૅચના ખરા આરંભનો સમય નજીક આવે ત્યારે જ ટૉસની વિધિ કરવામાં આવતી હોય છે કે જેથી સ્થિતિની અસર મૅચ પર અને ટૉસમાં લેવાતા નિર્ણય પર બને એટલી ઓછી રહે. બીજું, વરસાદ અટકી જાય અને પિચ તથા મેદાન બરાબર સાફ થઈ જાય ત્યારે જ ખરેખર કેટલી ઓવર રમાશે એ નક્કી કરાતું હોય છે.'
ક્રિકેટ-પંડિતોનું એવું પણ મંતવ્ય છે કે `વરસાદ અટકતાં સ્થિતિ સ્પષ્ટ થઈ જાય અને પિચ તથા આઉટફીલ્ડ કેવી છે એનો તાગ કાઢ્યા પછી જ તેમ જ કેટલી ઓવર રમાશે એ જાણ્યા પછી જ બન્ને ટીમના કૅપ્ટનો પોતાની પ્લેઇંગ-ઇલેવન નક્કી કરતા હોય છે અને ટૉસ વખતે અમ્પાયરને પોતપોતાના લિસ્ટ સોંપતા હોય છે.'