Tue Sep 15 2026

Logo

છૂટાછેડાની અરજી કરનારી પત્નીની વાંધાજનક તસવીરો પતિએ સોશ્યલ મડિયા પર વાયરલ કરી...

2026-03-24 08:38:00
Author: Yogesh C. Patel
છૂટાછેડાની અરજી કરનારી પત્નીની વાંધાજનક તસવીરો પતિએ સોશ્યલ મડિયા પર વાયરલ કરી...

રેલવેના એન્જિનિયર એવા પતિના અફૅરની જાણ થતાં પત્ની અલગ રહેવા લાગી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રેલવેના એન્જિનિયર એવા પતિના કથિત અફૅરની જાણ થતાં અલગ રહેવા લાગેલી પત્નીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ વાતથી ગિન્નાયેલા પતિએ પત્નીની કથિત વાંધાજનક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

મલાડ પૂર્વમાં રહેતી 31 વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે દિંડોશી પોલીસે ભારતીય રેલવેમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ખારમાં ફરજ બજાવતા પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીનાં લગ્ન 2020માં આરોપી સાથે રાજસ્થાનમાં થયાં હતાં. લગ્ન બાદ દંપતી ગોરેગામમાં રહેવા આવ્યું હતું. લગ્નના ત્રણેક મહિનામાં જ આરોપીના લગ્નબાહ્ય સંબંધની જાણ પત્નીને થઈ હતી. આ વાતને લઈ દંપતી વચ્ચે વારંવાર વિવાદ થતો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પતિ સાથેની રકઝકથી કંટાળી પત્ની પિયરમાં રહેવા ગઈ હતી. આરોપીએ પત્નીના ઘરે જઈ આત્મહત્યાની ધમકી પણ આપી હતી. હાલમાં ફરિયાદી તેની બહેનપણી સાથે મલાડમાં રહે છે.

ગયા વર્ષના જૂનમાં ફરિયાદીએ બાન્દ્રા કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ વાતની જાણ થતાં આરોપીએ ફોન કરી ફરિયાદીને બદનામી કરવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી ફરિયાદીના નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની બહેનપણીઓને મેસેજ કરવા લાગ્યો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ગયા સપ્તાહે આરોપીએ તેમની વચ્ચેની અંગત પળોની વાંધાજનક તસવીરો અને પત્નીની અશ્ર્લીલ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી હતી. વળી, એ જ તસવીરોથી વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વાંધાજનક તસવીરો અને વીડિયો આરોપીએ પત્નીના મોબાઈલ ફોન પર પણ મોકલાવ્યા હતા. પતિના આવા વર્તનથી કંટાળી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.