Sun Sep 06 2026

Logo

રાહુલ ગાંધીને સુલતાનપુર માનહાનિ કેસમાં રાહત, વોઇસ સેમ્પલની અરજી ફગાવી

2026-05-02 20:27:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીને સુલતાનપુર માનહાનિ કેસમાં રાહત, વોઇસ સેમ્પલની અરજી ફગાવી

સુલતાનપુર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુલતાનપુર માનહાનિ કેસમાં રાહત મળી છે. જેમાં એમપી- એમએલએ કોર્ટે રાહુલ ગાંધીના વોઇસ સેમ્પલની તપાસ કરવાની અરજી ફગાવી દીધી છે. જેના લીધે આ કેસમાં હવે તેમના વોઇસ સેમ્પલ લેવામાં નહિ આવે. આ કેસ રાહુલ ગાંધીએ વર્ષ 2018 માં ગૃહમંત્રી અમિત શાહ અંગે કરેલી ટિપ્પણી બાદ ભાજપના નેતા વિજય મિશ્રાએ દાખલ કર્યો હતો. ત્યારથી આ કેસ એમપી એમએલએ કોર્ટમાં ચાલી રહ્યો છે.

11 મેના રોજ તેમના જામીન બોન્ડ રજૂ  કરાશે 

આ અંગે કોર્ટે હવે સ્પષ્ટ કર્યું છે કે અવાજના નમૂનાઓની તપાસ કરવાની કોઈ જરૂર નથી અને આ વિનંતીને ફગાવી દીધી છે. તેમજ  કોર્ટે હાલની પ્રક્રિયા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીએ હવે 11 મેના રોજ તેમના જામીન બોન્ડ રજૂ કરવાના છે. આ જ દિવસે કેસમાં અંતિમ દલીલો પણ થશે.

કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો

આ પૂર્વે  ફરિયાદી પક્ષે એક નવી માંગણી રજૂ કરી હતી. જેમાં રાહુલ ગાંધીના અવાજના નમૂનાને તેમના કથિત નિવેદનની સત્યતા ચકાસવા માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવે.આ મુદ્દા પર બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જેના પગલે કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.