ભરત ભારદ્વાજ
આમ આદમી પાર્ટીએ તગેડી મૂકેલા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બીજા 6 સભ્યો સાથે ભાજપમાં જોડાઈને આપના મુખિયા અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપી દીધો કેમ કે ચઢ્ઢા પોતે તો ગયા જ પણ કેજરીવાલની નજીત મનાતા બીજાં સાંસદોને પણ સાથે લેતા ગયા છે. સ્વાતિ માલિવાલને પહેલાંથી કેજરીવાલ સાથે બગડી ચૂક્યું છે તેથી એ ચઢ્ઢા સાથે જવાનાં જ હતાં પણ કેજરીવાલે ચઢ્ઢાને રાજ્યસભામાં આપના ઉપ-નેતા પદેથી કાઢીને જેમને બેસાડેલા એ અશોક ગુપ્તા અને કેજરીવાલનો જમણો હાથ મનાતા સંદીપ પાઠકે પણ આપને રામ રામ કરી દીધા એ આંચકાજનક છે. આ ઉપરાંત રાજિન્દર ગુપ્તા. વિક્રમ સાહની અને હરભજનસિંહે પણ આપ છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો છે.
ચઢ્ઢાના બળવાએ ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે કેમ કે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં કોઈ પક્ષના રાજ્યસભાના સભ્યો ભાજપમાં જોડાયા છે. બીજું એ કે, ગયા વરસે થયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી કેજરીવાલ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે ત્યારે જ તેમના ખાસ સાથીઓએ તેમનો સાથ છોડીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે. તેના કારણે કેજરીવાલની પાર્ટીનું અસ્તિત્વ ટકશે કે પછી ધીરે ધીરે બધા ભાજપમાં ભળી જશે ને કેજરીવાલ, આતિશી, મનિષ સિસોદિયાની ત્રિપુટી જ રહી જશે કે શું એવી ચર્ચા પણ શરૂ થઈ છે.
આપનું રાજકીય અસ્તિત્વ ટકશે કે નહીં તેનો જવાબ સમય આપશે પણ રાઘવ ચઢ્ઢા આણિ મંડળીએ રાજકીય અનૈતિકતાની ચરમસીમા વટાવી દીધી છે તેમાં બેમત નથી. રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટીના બીજા સાંસદોમાં નૈતિકતાનો ને શરમનો પણ છાંટો હોય તો તેમણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દેવું જોઈએ. એ લોકો ભાજપમાં જોડાયા તેમાં કશું ખોટું નથી કેમ કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો પક્ષ અને વિચારધારા બદલવાની સંપૂર્ણ આઝાદી અને અધિકાર છે.
આપના 7 સાંસદો પણ એ અધિકારનો ઉપયોગ કરીને ભાજપમાં જોડાયા તેની સામે વાંધો ના લઈ શકાય પણ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા વિના ભાજપમાં જોડાય એ યોગ્ય નથી કેમ કે રાજ્યસભાના સભ્યપદે તેમને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ચૂંટ્યા હતા. આપના ધારાસભ્યોના મતથી રાજ્યસભામાં ચૂંટાયા પછી ભાજપમાં ભળી જવું એ ગદ્દારી કહેવાય. રાઘવ ચઢ્ઢા આણિ મંડળી માટે કેજરીવાલ ગદ્દાર શબ્દ વાપરે છે એ યોગ્ય જ છે.
આપ પાસે રાજ્યસભામાં 10 સભ્યો છે ને તેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાયા તેથી પક્ષપલટાનો કાયદો તેમને લાગુ ના પડે કેમ કે કોઈ પણ પક્ષના કુલ સંખ્યાબળના બે તૃતિયાંશ કે વધારે ધારાસભ્યો કે સાંસદો પક્ષપલટો કરે તો તેમને પક્ષપલટા ધારા હેઠળ તેમને ગેરલાયક ના ઠેરવી શકાય. આ બંધારણીય જોગવાઈ છે ને તેની આડમાં રાઘવ ચઢ્ઢા આણિ મંડળી પોતાના પક્ષપલટાને વાજબી ઠેરવે છે. એ લોકો તો પોતાનો બચાવ કરવાના જ પણ ભાજપે આ પ્રકારની સાવ અનૈતિક પ્રવૃત્તિને પોષવા જેવી નહોતી.
ભાજપે ગુજરાત અને બીજાં રાજ્યોમાં પણ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોના ધારાસભ્યો કે સાંસદોને તોડ્યા છે પણ તેમની પાસે વિધાનસભા અને લોકસભામાં રાજીનામાં અપાવીને પછી પાર્ટીમાં લીધા છે. તેમના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો પર ફરી તેમને જ ટિકિટ આપીને ભાજપે તેમને ફરી સાંસદ અને ધારાસભ્ય બનાવ્યા છે પણ પહેલાં રાજીનામાં તો અપાવ્યાં જ છે.
મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં તો કૉંગ્રેસના ધારાસભ્યો પાસે આ રીતે રાજીનામાં અપાવીને ભાજપે સત્તા કબજે કરી છે ને ફરી તેમને ટિકિટ આપીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. રાઘવ ચઢ્ઢાના કેસમાં પણ ભાજપે એ જ વલણ અપનાવવ્યું હોત તો સારું થાત. ભાજપને હવે નૈતિકતા સાથે કંઈ લેવાદેવા તો રહી નથી પણ છતાં એટલો દેખાડો પણ કરી લીધો હોત તો સારું હતું.
ભાજપ આ અનૈતિકતાને પોષીને કશું વધારે મેળવી લેવાનો નથી. મધ્ય પ્રદેશ કે કર્ણાટકમાં પોતાની સરકાર બને એ માટે ભાજપે ધારાસભ્યોને તોડેલા જ્યારે રાઘવ ચઢ્ઢા સહિતના 7 સાંસદોને તોડીને ભાજપ કશું મેળવવાનો નથી. મીડિયા રાઘવ ચઢ્ઢા કે સંદીપ પાઠક જેવા નેતાઓને ચાણક્ય ગણાવે છે ને તેમની વ્યૂહરચનાના જોરે આમ આદમી પાર્ટી દિલ્હી ને પંજાબમાં સત્તા મેળવી શક્યો એવી વાતો કરે છે પણ આ વાતો સાવ હાસ્યાસ્પદ છે.
દિલ્હીમાં રાઘવ ચઢ્ઢા કે સંદીપ પાઠક જેવા મીડિયાએ બનાવેલા ચાણક્યોના આગમન પહેલાંથી આપ સત્તામાં હતી. દિલ્હીમાં લોકો ભાજપ ને કૉંગ્રેસ બંનેથી કંટાળેલા ને અરવિંદ કેજરીવાલે પ્રમાણિક માણસની ઈમેજ ઊભી કરેલી તેથી લોકો તેમના પર વારી ગયેલા તેમાં સત્તા મળેલી. પંજાબમાં પણ બાદલ પરિવારના ભ્રષ્ટ શાસન ને તેની સામે ભાજપનાં આંખ મીંચામણાં તથા કૉંગ્રેસની અંદરોઅંદરની લડાઈથી કંટાળીને લોકોએ આપને સત્તા આપી છે. સંદીપ પાઠક કે રાઘવ ચઢ્ઢા એવા મહાન વ્યૂહ રચનાકાર જ હતા તો 2022માં ગુજરાતમાં આપને કેમ ના જીતાડી શક્યા? ગુજરાતની વાત છોડો પણ 10 વર્ષથી દિલ્હીમાં જામેલી આપની હારને પણ ગયા વરસે કેમ નહોતા રોકી શક્યા?
રાજકારણમાં ફાવ્યો એ ડાહ્યો સિદ્ધાંત કામ કરે છે ને કોણ ફાવ્યો એ મીડિયા સાથેના સંબંધોના આધારે નક્કી થાય છે તેથી રાધવ ને પાઠક ચાણક્ય બની ગયા. ભૂતકાળમાં પ્રશાંત કિશોરના કિસ્સામાં પણ એવું થયેલું જ છે. પ્રશાંત કિશોરની વ્યૂહકચનાને કારણે 2014માં નરેન્દ્ર મોદીની ભવ્ય જીત થઈ એવી વાતો વરસોથી ચાલે છે પણ પી.કે. પોતે બિહારમાં પોતાની જ જીત માટે વ્યૂહરચના નથી બનાવી શક્યા ને છેલ્લી ચૂંટણીમાં ઊંધાં માથે પછડાયા છે. માનો કે ચઢ્ઢા કે પાઠક સારા વ્યૂહ રચનાકાર હોય તો પણ ભાજપ જેવી મોટી પાર્ટીને તેમની શું જરૂર છે ?
ચઢ્ઢા કે પાઠક તો સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા છે તેથી હજુ ચાલે પણ બીજા જે ભાજપમાં જોડાયા છે તેમના વિશે તો એવો દાવો પણ થઈ શકે તેમ નથી. અશોક મિત્તલ લવલી યુનિવર્સિટીના માલિક છે ને હજુ દાસ દાડા પહેલાં જ તેમને ત્યાં ઈન્કમટેક્સના દરોડા પડેલા. જે માણસ 10 દિવસ પહેલાં લગી કરચોરી બદલ કેન્દ્રીય એજન્સીઓના રડારમાં હતો એ માણસ હવે દૂધે ધોયેલો થઈ ગયો? સ્વાતિ માલિવાલ એક સમયે ભાજપના નેતાઓને ભાંડવામાં પાછું વળીને જોતાં નહોતાં ને હવે એ ભાજપને વહાલાં થઈ ગયાં?
ભાજપે દેશના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે નૈતિકતાનાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવાં જોઈએ. તેના બદલે ભાજપ ક્ષુલ્લક લાભો માટે અનૈતિકતાને પોષી રહ્યો છે એ આઘાતજનક કહેવાય પણ ધણીનો કોઈ ધણી નથી એ હિસાબે તેને કોણ રોકી શકે ?