Wed Aug 19 2026

Logo

ડિજિટલ પેમેન્ટ એલર્ટ: QR કોડ સ્કેન કરતા પહેલા આટલું જરૂર ચેક કરજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે

2026-03-28 22:05:43
Author: Darshana Visaria
Article Image

આજના ડિજિટલ યુગમાં પેમેન્ટ કરવાની સુવિધા જેટલી વધી છે, તેની સાથે છેતરપિંડીના જોખમો પણ વધ્યા છે. આજકાલ રસ્તા પર શાકભાજી વેચતા ફેરિયાથી લઈને મોટા મોટા એસી શો રૂમમાં બસ એક ક્યુઆર કોડ સ્કેન કરીને મિનિટોમાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ આ ક્યુઆક કોડને કારણે જ છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તમે પણ જો વધારે સમજ્યા વિચાર્યા વિના બસ ક્યુઆર કોડ સ્કેન કરતાં હોવ તો તમારે આ સમાચાર વાંચી લેવા જોઈએ જેથી તમે છેતરપિંડીનો શિકાર થતાં બચી જશો. 

ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં ક્યુઆર કોડ અને નેટ બેંકિંગ આવી જતાં હવે સ્કેમર્સ પણ વધારે સ્માર્ટ બની ગયા છે. તેમણે પણ લોકોને છેતરવા માટે જાત જાતના ઉપાયો શોધી લીધા છે. આવી જ એક ભૂલ એટલે જોયા મૂક્યા વિના ક્યૂઆર કોડ સ્કેન કરવા. ક્યૂઆર કોડ સ્કેન કરતી વખતે થતી એક નાની ભૂલ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. તમારી સાથે આવું ના બને એટલે અહીં જણાવવામાં આવેલી કેટલીક ટિપ્સ તમને સ્કેમર્સનો શિકાર થતાં અટકાવશે. 

સૌથી મહત્વનો નિયમ: QR કોડ માત્ર પૈસા 'મોકલવા' માટે છે
ઘણીવાર સ્કેમર્સ ઓનલાઇન સામાન ખરીદવાના બહાને તમને ક્યુઆર કોડ મોકલે છે અને કહે છે કે આ ક્યૂઆર કોડ સ્કેન કરશો એટલે તમારા ખાતામાં પૈસા આવી જશે. હકીકત એ છે કે ક્યૂઆર કોડનો ઉપયોગ હંમેશા પૈસા મોકલવા માટે થાય છે, પૈસા મેળવવા માટે ક્યારેય સ્કેન કરવાની જરૂર પડતી નથી. જો કોઈ તમને પૈસા આપવા માટે કોડ સ્કેન કરવાનું કહે, તો સમજી લેવું કે તે ફ્રોડ છે.

યુપીઆઈ પિન ક્યારેય ન નાખવો
પૈસા મેળવવા માટે ક્યારેય પણ તમારો યુપીઆઈ પિન નાખવાની જરૂર હોતી નથી. જ્યારે તમે પિન એન્ટર કરો છો, તમે ખરેખર તમારા એકાઉન્ટમાંથી પૈસા કાપવાની મંજૂરી આપી રહ્યા છો. જો સ્કેન કર્યા પછી પિન માંગવામાં આવે, તો તરત જ પ્રોસેસ અટકાવી દો.

ફિઝિકલ ક્યૂઆર કોડની ચકાસણી 
ઘણી વખત દુકાનો, પેટ્રોલ પંપ કે રેસ્ટોરન્ટમાં રહેલાં ક્યૂઆર કોડ પર ઘણીવાર સ્કેમર્સ પોતાના નકલી સ્ટીકર ચોંટાડી દે છે. જો કોડ ઉખડેલો, ત્રાંસો કે અલગથી લગાવેલો દેખાય તો સાવધ રહો. સ્કેન કર્યા પછી મોબાઈલ સ્ક્રીન પર જે નામ દેખાય, તે દુકાનદારના નામ સાથે ચોક્કસ મેચ કરો. જો તે કોઈ પર્સનલ એકાઉન્ટનું નામ હોય તો પેમેન્ટ ન કરો.

લાલચ અને ઉતાવળથી બચો
સ્કેમર્સ ઘણીવાર રિવોર્ડ મળશે અથવા પેમેન્ટ પેન્ડિંગ છે તેવા મેસેજ મોકલીને તમને ઉતાવળમાં નિર્ણય લેવા મજબૂર કરે છે. ઉતાવળમાં માણસ વિચાર્યા વગર સ્કેન કરી દે છે, જેનો ફાયદો ઠગ ઉઠાવે છે. કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા શાંતિથી વિચારો કે શું આ ખરેખર સુરક્ષિત છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો જેથી તેઓ પણ છેતરપિંડીનો ભોગ બનતાં અટકી જાય. આવી જ બીજી કામની અને ઈન્ટ્રેસ્ટિંગ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.