Sun Apr 12 2026

Logo

ગેસની તંગી દૂર કરવા ભઠિંડા રિફાઇનરીએ LPG ઉત્પાદન ત્રણ ગણું વધાર્યું, સાત રાજ્યોને થશે ફાયદો...

2026-03-14 10:32:20
Author: Tejas Soni
Article Image

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી પંજાબ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં રસોઈ ગેસની ભારે અછત જોવા  મળી રહી છે. યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે LPGના સપ્લાયમાં મોટો વિક્ષેપ પડ્યો છે, જેને પગલે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. આ કટોકટીને પહોંચી વળવા માટે ભઠિંડા સ્થિત ગુરુ ગોવિંદ સિંહ રિફાઇનરીએ મોટું પગલું ભર્યું છે. રિફાઇનરીએ તેના ઉત્પાદન ક્ષમતામાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેથી બજારમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા વધશે અને ગ્રાહકોને પડતી હાલાકીમાં ઘટાડો થશે.

ભઠિંડા રિફાઇનરીમાં અત્યાર સુધી દરરોજ 1000 ટન એલપીજીનું ઉત્પાદન થતું હતું, જે હવે વધારીને 3000 મેટ્રિક ટન કરી દેવામાં આવ્યું છે. આ વધારાને કારણે દરરોજ ઉપલબ્ધ થતા સિલિન્ડરની સંખ્યા 90700 થી વધીને 2.72 લાખથી વધુ થઈ જશે. કંપનીના અધિકારીઓના કહેવા પ્રમાણે, વર્તમાન પરિસ્થિતિને જોતા ગ્રાહકોને રાહત આપવી અનિવાર્ય છે. આ રિફાઇનરી માત્ર પંજાબ જ નહીં, પરંતુ હિમાચલ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ, યૂપી, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં પણ ગેસ પૂરો પાડે છે.

રાજ્યમાં ગેસની અછત વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માને વહીવટીતંત્રને સખત આદેશો આપ્યા છે. તેમણે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને તેલ કંપનીઓના સતત સંપર્કમાં રહેવા અને સપ્લાય ચેઇન જાળવી રાખવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ કપરા સમયમાં જો કોઈ ગેસ સિલિન્ડરની કાળાબજાર કે સંગ્રહખોરી કરતા ઝડપાશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી સમયસર સિલિન્ડર પહોંચાડવાનો છે.

પંજાબના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી લાલચંદ કટારુચક આ સમગ્ર સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વિભાગના અધિકારીઓ તેલ કંપનીઓ પર દબાણ બનાવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદામાં જ ગ્રાહકોને બુકિંગ મુજબ સિલિન્ડર મળી રહે. આ સાથે જ પંજાબ સરકારે કેન્દ્ર સરકારને પણ વિનંતી કરી છે કે આ સંકટમાંથી ઉગરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. હાલમાં જિલ્લા સ્તરે ડીએફએસસી (DFSC) ની ટીમો કાળાબજારી રોકવા માટે સતત તપાસ કરી રહી છે.