Wed Jun 17 2026

Logo

જનેતા બની જમ: પ્રેમીને પામવા છ વર્ષના માસૂમનો લીધો ભોગ

2026-04-10 17:59:53
Author: યોગેશ સી પટેલ
Article Image

પાણી ભરેલી બાલદીમાં મોઢું ડુબાડ્યા પછી દીવાલ અને જમીન પર માથું પટકી ક્રૂરતાથી બાળકની હત્યા: માતાની ધરપકડ, પ્રેમી ફરાર

પુણે: પુણેમાં કાળજું કંપાવનારી ઘટનામાં સગી જનેતા જ છ વર્ષના માસૂમ દીકરા માટે જમ બની હતી. પાણી ભરેલી બાલદીમાં મોઢું ડુબાડ્યા પછી દીવાલ અને જમીન પર માથું પટકીને બાળકની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. અત્યંત ઘાતકી બનેલી માતાએ શરમ નેવે મૂકી દીકરાનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમના અહેવાલે ચાડી ખાતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને તેના ફરાર પ્રેમીની શોધ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર આ ભયંકર ઘટના પુણેના ખેડ તાલુકામાં આવેલા કુરુળી ખાતે ચોથી એપ્રિલે બની હતી. આરોપી બસરીન મેહબૂબ શેખે (27) કથિત પ્રેમી રામ વિનાયક કજેવાડ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.બસરીન અને મેહબૂબ શેખના નિકાહ દસ વર્ષ અગાઉ થયા હતા. દંપતીને ત્રણ સંતાન છે, જેમાંથી સૌથી નાનો પુત્ર આવેઝ શેખ છ વર્ષનો હતો. ચાર વર્ષ અગાઉ દામ્પત્ય જીવનમાં ખટાશ ઊભી થતાં બસરીન પતિથી અલગ રહેવા લાગી હતી. બે સંતાન પિતા મેહબૂબ સાથે રહેતાં હતાં, જ્યારે આવેઝ માતા બસરીન સાથે રહેતો હતો.

કહેવાય છે કે પતિ સાથેના વિવાદ પછી બસરીન તેમના જ ગામના પતિના મિત્ર રામના સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલુ થતાં ચારેક મહિનાથી બન્ને કુરુળીમાં સાથે રહેતાં હતાં. જોકે દીકરો પ્રેમસંબંધમાં અવરોધરૂપ સાબિત થતો હોવાથી બન્નેેએ તેને પતાવી નાખવાની યોજના બનાવી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ચોથી એપ્રિલની રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ સૌપ્રથમ આવેઝનું મોઢું બાથરૂમમાંની પાણી ભરેલી બાલદીમાં ડુબાડવામાં આવ્યું હતું. પછી દીવાલ અને જમીન પર તેનું માથું પટકવામાં આવ્યું હતું. અત્યંત ક્રૂરતાથી હત્યા કર્યા પછી આરોપીઓએ બાળકનું કુદરતી મૃત્યુ થયું હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

અંતિમવિધિ માટે બસરીન દીકરાના મૃતદેહને લઈ બીડમાં આવેલા તેના પિયર લઈ ગઈ હતી. હાર્ટ અટેકથી આવેઝનું મૃત્યુ થયું હોવાનું જણાવીને બસરીને તેના અંતિમસંસ્કારની તૈયારી કરવા માંડી હતી. આ માટે બસરીનના પિતાએ મેહબૂબના પરિવારજનોને ખબર આપ્યા હતા. અંતિમવિધિ માટે આવેલા આવેઝના દાદાને બસરીને ઘડી કાઢેલી વાર્તા પર શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક પરળી પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે બાળકના મૃતદેહને તાબામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલમાં હત્યાની વાત સામે આવતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.