કિલ્લા પર કેતન અગરવાલને મારવામાં નિષ્ફળતા મળે તો મહાબળેશ્વરમાં તેની હત્યા કરવા માટે ‘પ્લાન બી’ પણ વાગ્દત્તાએ તૈયાર રાખ્યો હતો
પુણે: પુણેના ઐતિહાસિક લોહગડ જિલ્લા પરથી 400 ફીટ ઊંડી ખીણમાં અકસ્માતે પડી જવાથી ટ્રેકર અને રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન વિશાલ અગરવાલના થયેલા મૃત્યુની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. કેતનનું કિલ્લા પરથી પડી જવાથી મૃત્યુ નહોતું થયું, પણ તેની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
કેતનને ઊંડી ખીણમાં ધકેલી તેની હત્યા કરવા બદલ પોલીસે વાગ્દત્તા અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. કેતનને કિલ્લા પર મારવામાં નિષ્ફળતા મળે તો મહાબળેશ્વરમાં તેની હત્યા કરવા માટે વાગ્દત્તાએ ‘પ્લાન બી’ પણ તૈયાર રાખ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર 18 જૂને આ ઘટના બની હતી અને અકસ્માતે પડી જવાથી કેતનનું મૃત્યુ થયું હોવાનું પોલીસને શરૂઆતમાં લાગ્યું હતું. જોકે તપાસમાં કેતનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
26 વર્ષનો કેતન અગરવાલ પુણે જિલ્લાના ગહુંજેનો રહેવાસી હતો અને પરિવારની રિયલ એસ્ટેટ કંપનીનો ડિરેક્ટર હતો. કેતન 18 જૂને લોહગડ કિલ્લા નજીકની ઊંડી ખીણમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. કેતન તેની વાગ્દત્તા સિયા ગોયલ અને મિત્રો સાથે કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયો હતો. પ્રી-વેડિંગ શૂટ અને સિયાના આગામી જન્મદિવસની ઉજવણી માટે કિલ્લા પર ગયેલો કેતન ફોટા પાડી રહ્યો હતો ત્યારે ભારે પવનને કારણે સંતુલન ગુમાવતાં તે ખીણમાં પડી ગયો હતો, એમ પોલીસે અગાઉ જણાવ્યું હતું.
કેતનનો પગ લપસતા તે ઊંડી ખીણમાં પડી ગયો હતો, એવું સિયાએ લોનાવલા ગ્રામીણ પોલીસને જણાવ્યા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો. કેતનના લગ્ન નવેમ્બરમાં નિર્ધારિત હતા અને પરિવારજનોએ એ માટે તૈયારી પણ શરૂ કરી દીધી હતી. તેમણે લગ્નસમારંભ માટે રાજસ્થાનના ઉદયપુરમાં પેલેસ પણ બૂક કરાવ્યો હતો.
પુણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલે કહ્યું હતું કે મૃત્યુની આસપાસના સંજોગો શંકાસ્પદ જણાયા હતા, જેને લઇ કેસની ઊંડાણથી તપાસ કરાઇ હતી. નાણાકીય વિખવાદ અને અંગત સંબંધોની તપાસ પણ ચાલી રહી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સિયાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેની ઓળખ પુણેના કોંઢવાના રહેવાસી ચેતન બાબુલાલ ચૌધરી (22) તરીકે થઇ હતી. કેતન સાથે સિયા લગ્ન કરવા માગતી નહોતી અને ચેતન સાથેના સંબંધોમાં તે કેતનને આડખીલીરૂપ માનતી હતી. આથી તેઓ કેતનને કિલ્લા પર લઇ ગયા હતા અને ત્યાંથી તેને ધક્કો માર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
ત્રણ-ત્રણ પ્રયાસ બાદ કેતનને કિલ્લા પર લઇ જવામાં સિયાને સફળતા મળી
કેતનની હત્યાનો પ્લાન બનાવ્યા બાદ તેને કિલ્લા પર લઇ જવાના ત્રણ વાર પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ ઊંચાઇથી ડર લાગતો હોવાથી કેતને કિલ્લા પર જવા માટે ઇનકાર કરતો હતો. આખરે સિયાએ આગ્રહ કર્યા બાદ કેતન ત્યાં જવા માટે તૈયાર થયો હતો અને સિયાએ પ્રેમી ચેતન સાથે મળીને કેતનનો કાંટો કાઢ્યો હતો.
ભર તડકામાં હુડી પહેરીને કિલ્લા પર જઇ રહેલો ચેતન સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો હતો. કેટલાક દિવસ અગાઉ પણ કેતનની હત્યાનો પ્રયાસ કરાયો હતો. એ સમયે સાપની ડર દેખાડીને તેને ખીણમાં ધકેલવાનો પ્રયાસ યોજના બનાવાઇ હતી, એવું સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર કેતનને કિલ્લા પર લઇ જવાયા બાદ સિયાએ ચેતનને ત્યાં બોલાવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચેતનને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે સિયા અને તેની વચ્ચેના સંબંધમાં ચેતન અવરોધરૂપ બની રહ્યો હોવાથી તેનો કાંટો કાઢવાનું નક્કી કરાયું હતું.
ચેતનની કબૂલાત બાદ પોલીસે સિયાની ધરપકડ કરી હતી. ઘટનાક્રમ સ્થાપિત કરવા, ફોરેન્સિક પુરાવા એકઠા કરવા અને કાવતરામાં અન્ય કોઇ સામે છે કે કેમ તે જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.