ભારતના રાજકારણના ઈતિહાસમાં આગામી 10મી જૂનના એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે અને આ અધ્યાય લખશે આુપણા લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે એક એવો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરશે, જે અત્યાર સુધી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામે હતો. પીએમ મોદી દેશના ઇતિહાસમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી સતત પદ પર રહેવાનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે આ સાથે તેઓ નહેરુના લોકતાંત્રિક કાર્યકાળના રેકોર્ડને પણ પાછળ છોડી દેશે.
અહીંયા તમારી જાણકારી માટે કે દેશના પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ 1947માં દેશ આઝાદ થયો ત્યારે કોઈ પણ ચૂંટણી વિના વડાપ્રધાન બન્યા હતા. પરંતુ, લોકતાંત્રિક રીતે એટલે કે ચૂંટણી દ્વારા તેઓ 13મી મે 1952 થી 27મી મે 1964ના રોજ તેમના અવસાન સુધી સતત વડાપ્રધાન પદ પર રહ્યા હતા. આમ વડા પ્રધાન પંડિત નહેરુજીનો કાર્યકાળ 4,398 દિવસનો હતો.
વાત કરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની તો 26મી મે 2014ના રોજ ભાજપને લોકસભામાં પ્રથમ વખત બહુમતી અપાવીને વડા પ્રધાનપદના શપથ લેનારા નરેન્દ્ર મોદી 10મી જૂનના 4,399 દિવસ સુધી વડા પ્રધાનપદ પર રહીને નહેરુજીનો સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ બ્રેક કરશે. નહેરુની પુત્રી ઇન્દિરા ગાંધી 24મી જાન્યુઆરી 1966થી 24મી માર્ચ 1977 સુધી 4,077 દિવસ સુધી સતત વડા પ્રધાનપદ પર રહ્યા હતા.
પીએમ મોદી અને પંડિત નહેરુ પોતાના વ્યક્તિગત જીવન અને રાજકીય વિચારોમાં એકબીજાથી તદ્દન અલગ છે. પીએમ મોદી અવારનવાર નહેરુની નીતિઓની ટીકા કરતા રહ્યા છે અને તેમનો તર્ક છે કે જો દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો દેશની સ્થિતિ અલગ હોત, કારણ કે 15માંથી 15 રાજ્ય સમિતિઓએ પટેલના નામની ભલામણ કરી હતી પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આગ્રહને કારણે તેઓ પાછળ હટી ગયા હતા.
રાજકીય વિશ્લેષકોના મતે, નહેરુએ એવા યુગમાં કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું જ્યારે દેશમાં કોઈ મજબૂત વિરોધ પક્ષ નહોતો અને આઝાદીના આંદોલનના કારણે સત્તા તેમના માટે સ્વાભાવિક વિકલ્પ હતી. બીજી તરફ, પીએમ મોદી અત્યંત સ્પર્ધાત્મક અને વિપરીત રાજકીય વાતાવરણ વચ્ચે ઉભરી આવ્યા છે. પીએમ મોદીજીએ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સતત ત્રણ વિધાનસભા ચૂંટણી જીતી અને ત્યાર બાદ 2014માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સામે ભાજપને એકજૂથ કરીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી, જે ભાજપના ઇતિહાસમાં પ્રથમ વાર હતું. 10મી જૂને આ રેકોર્ડ બનતાની સાથે જ ભારતીય લોકશાહીમાં પીએમ મોદીનું કદ વધુ વિરાટ બનશે, એ વાત તો ચોક્કસ છે.