Wed Aug 19 2026

Logo

PM મોદીની ગુજરાત મુલાકાત: ₹5,295 કરોડના 44 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની મળશે ભેટ

2026-03-28 14:27:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેમનો આ પ્રવાસ ખૂબ સૂચક માનવામાં આવે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની હારમાળાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યભરમાં જનકલ્યાણને વેગ આપવા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કુલ ₹5,295.54 કરોડના 44 શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. જેમાંથી ₹3,427.14 કરોડના 26 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ₹1,868.40 કરોડના 18 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.

પ્રોજેક્ટ્સમાં સૌથી મોટો હિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો છે, જેમાં ₹4,640.12 કરોડના 32 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ₹304.82 કરોડના સાત પ્રોજેક્ટ્સ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) ₹272.86 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ અને ગુજરાત શહેરી વિકાસ નિગમ (GUDC) ₹77.74 કરોડના બે પ્રોજેક્ટ્સ અમલમાં મૂકશે.

વડનગર અને પાટણને ભેટ

ઐતિહાસિક નગર વડનગરના વારસાને જાળવવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, વડા પ્રધાન ₹34.45 કરોડના ખર્ચે વિકસિત 'હેરિટેજ ટાઉન અર્બન ડેવલપમેન્ટ એન્ડ રોડ બ્યુટિફિકેશન' પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આમાં આધુનિક રસ્તાઓ, અન્ડરગ્રાઉન્ડ લાઈટિંગ અને હાટકેશ્વર મંદિર તથા મ્યુઝિક મ્યુઝિયમ જેવા સ્થળોએ કલાત્મક સુશોભનનો સમાવેશ થાય છે. પાટણમાં, વડા પ્રધાન ગેટ નંબર 41-A પાસે ₹43.29 કરોડના ખર્ચે બનેલા 898 મીટર લાંબા થ્રી-લેગ રેલવે ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય પ્રોજેક્ટ્સ

લોકાર્પણ 

ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ (પેકેજ 1, 2, 3): ₹811.27 કરોડ
વાસણા-હદમતિયા ખાતે 1,352 EWS આવાસ: ₹165.54 કરોડ
ગોતા-ગોધાવી કેનાલને RCC બોક્સ કેનાલમાં ફેરવવી: ₹131.97 કરોડ
નિકોલ, નરોડા, ગોટા અને અમરાઈવાડીમાં વિવિધ આવાસ યોજનાઓ: આશરે ₹300+ કરોડ
વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ₹61.67 કરોડ

ખાતમુહૂર્ત/શિલાન્યાસ

ખારીકટ કેનાલ ફેઝ-2 (રોપડા તળાવથી ખારી નદી): ₹1,061.43 કરોડ
BRTS અને AMTS માટે ITMS સિસ્ટમ પ્રોજેક્ટ 2.0: ₹467 કરોડ
સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ (4-લેન + 2-લેન બ્રિજ): ₹236 કરોડ
નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધી 14 કિમી રોડ ડેવલપમેન્ટ: ₹255.35 કરોડ
ઘાટલોડિયા તળાવ ખાતે લોટસ પાર્ક ડેવલપમેન્ટ: ₹128.85 કરોડ
ઓલિમ્પિક્સ 2036 માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે વોટર લાઇન શિફ્ટિંગ: ₹40.68 કરોડ

ગાંધીનગર (GMC અને GUDA) ના મુખ્ય કાર્યો

કુડાસણ, રાયસણ અને સર્ગાસણના નવા રસ્તા: ₹72.91 કરોડ
કોબા, રાયસણ અને રાંદેસણમાં સ્ટોર્મ વોટર લાઇન: ₹59.48 કરોડ
પેથાપુરમાં 15 MLD STP નું લોકાર્પણ: ₹34.12 કરોડ
વર્કિંગ વુમન્સ હોસ્ટેલનું નિર્માણ (સેક્ટર-6): ₹25.61 કરોડ