Thu Apr 30 2026

Logo

મોદી `મન કી બાત'માં જમ્મુ-કાશ્મીરના ક્રિકેટરો પર આફરીન

2026-03-29 17:52:13
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રણજી ટ્રોફીમાં પહેલી જ વખત ટાઇટલ જીતનાર જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ની ટીમને રવિવારે રેડિયો પરના `મન કી બાત' કાર્યક્રમમાં અભિનંદન આપ્યા હતા, ટીમની ભરપૂર પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ ખેલાડીઓ ભવિષ્યમાં જીતની પરંપરા જાળવી રાખશે.

મોદી (Modi)એ `મન કી બાત'માં કહ્યું હતું કે `દેશભરના ક્રિકેટપ્રેમીઓ માટે માર્ચ મહિનો ઉત્સાહ અને રોમાંચથી ભરપૂર હતો. ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને ભારતીય ટીમ પર દેશવાસીઓને ખૂબ ગર્વ છે.'

જમ્મુ-કાશ્મીરની સિદ્ધિની વાત કરતા મોદીએ કહ્યું, `ગયા મહિનાના છેવટના દિવસોમાં કર્ણાટકના હુબલીમાં રોચક મૅચ રમાઈ ગઈ જેમાં જમ્મુ-કાશ્મીરની ટીમે વિજય મેળવીને ટ્રોફી મેળવી લીધી હતી. વધુ ખુશીની વાત એ છે કે આ રાજ્યએ લગભગ સાત દાયકાના લાંબા સમયગાળા સુધી રાહ જોયા બાદ છેવટે પહેલી વખત ટાઇટલ મેળવ્યું. આ અભૂતપૂર્વ સફળતા ખેલાડીઓની એકધારી મહેનતનું જ પરિણામ છે. જમ્મુ-કાશ્મીર ટીમના કૅપ્ટન પારસ ડોગરાએ અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું. તેમણે ટીમનું નેતૃત્વ સંભાળીને ટીમના ઐતિહાસિક વિજયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.'

કાશ્મીરના યુવાન પેસ બોલર આકિબ નબીના પણ મોદીએ ખૂબ વખાણ કર્યા હતા. નબીએ આખી રણજી ટ્રોફીમાં હાઇએસ્ટ 60 વિકેટ લીધી હતી. મોદીએ કહ્યું, `આકિબ નબીના શાનદાર પ્રદર્શનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સિદ્ધિ બદલ જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ તથા કોચિંગ-સ્ટાફની સાથે રાજ્યના લોકો પણ ખૂબ રોમાંચિત છે. આ ઉપલબ્ધિ બદલ રાજ્યના લોકોમાં ખેલકૂદ પ્રત્યે ઉત્સાહ વધી ગયો છે. ખેલો ઇન્ડિયા વિન્ટર માટે ગુલમર્ગ અગાઉથી જ ઓળખ બનાવી ચૂક્યું છે. આ રાજ્યમાં ફૂટબૉલ જેવી રમત પણ ખૂબ લોકપ્રિય છે.'