હાલમાં ઈરાન યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા, ઈંધણ બચાવવા અને નાણાકીય કરકસર કરવાની અપીલ કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે ફાઈલ કરવામાં આવેલી આરટીઆઈ (RTI)માં સામે આવેલા આંકડાઓ સાબિત કરે છે કે જ્યારે પણ પીએમ મોદી રાષ્ટ્રહિત કે આર્થિક બાબતો માટે જનતાને અપીલ કરે છે, ત્યારે ભારતીયો તેના પર કેટલી મજબૂત પ્રતિક્રિયા આપે છે. તેનું સૌથી તાજું ઉદાહરણ લક્ષદ્વીપ ટૂરિઝમ (Lakshadweep Tourism) છે. ચાલો જોઈએ શું કહે છે આંકડાઓ...
આરટીઆઈના આંકડા જોતાં સ્પષ્ટ થાયછે કે, વર્ષ 2020 માં લક્ષદ્વીપ આવતા પ્રવાસીઓની સંખ્યા માત્ર 3,875 હતી, જે વર્ષ 2023માં વધીને 46,551 થઈ અને 2024માં રેકોર્ડબ્રેક 68,328 પર પહોંચી ગઈ છે. પરંતુ એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં આશરે 47 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે.
ટુરિઝમના આંકડાઓમાં આ ઐતિહાસિક ઉછાળો જાન્યુઆરી 2024માં વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ આવ્યો હતો. તેમણે ત્યાંના દરિયાકિનારાના સુંદર ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને ભારતીયોને વિદેશી ટાપુઓના બદલે પોતાના જ દેશના આ સુંદર ટાપુની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ મુલાકાત બાદ માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે ભારતમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને સોશિયલ મીડિયા પર 'બૉયકોટ માલદીવ' અભિયાન શરૂ થયું હતું. 2023ની સરખામણીએ 2024માં માલદીવ જનારા પ્રવાસીઓની સંખ્યામાં 37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
પરિણામે, માલદીવ જનારા ભારતીયોની સંખ્યામાં ભારે ઘટાડો થયો અને ભારતીય પ્રવાસીઓ મોટા પાયે લક્ષદ્વીપ તરફ વળ્યા, જેનાથી માલદીવનું બજાર ધડામ થઈ ગયું અને લક્ષદ્વીપનું ભાગ્ય બદલાઈ ગયું અને લક્ષદ્વીપ જનારા પ્રવાસીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.