ગાંધીનગરઃ એક સમય હતો જ્યારે ડાંગના ઉમરપાડા ગામના ખેડૂત માટે વરસાદ જ જીવનનો આધાર હતો. ચોમાસું સારું જાય તો પાક થાય, નહીંતર આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થતું. સિંચાઈ માટે રાત્રે ખેતરોમાં જવું પડતું, વીજળીની અનિશ્ચિતતા અને પાણીની અછત એ વરવી વાસ્તવિકતા હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. ખેડૂતના ખેતરમાં સ્થાપિત સોલાર પંપ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત પાણી પૂરું પાડે છે. હવે ખેતીની સિંચાઈ માટે રાતના ઉજાગરા કરવા પડતાં નથી. હવે વરસમાં એકથી વધુ પાક લઈ શકાય છે.
આ પરિવર્તનની પાછળ છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના, જે ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં વિકાસનો નવો અધ્યાય લખી રહી છે. રાજ્યમાં હાલમાં ૨૧ હજારથી વધુ સોલાર વોટર પંપ કાર્યરત છે. નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં હજારો ખેડૂતો હવે ડીઝલના ખર્ચ, વીજળીની અનિશ્ચિતતા અને વરસાદની મર્યાદાઓથી મુક્ત બની રહ્યા છે. ઘણા ખેડૂતો માટે આ યોજના જીવન બદલનારી સાબિત થઈ છે. એક સમય એવો હતો જ્યારે ખેતીમાંથી પૂરતી આવક ન મળતા રોજગારી માટે શહેરોમાં મજૂરી અર્થે જવું પડતું, પણ હવે તે વર્ષમાં ત્રણ પાક લઈ શકે છે અને તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. આ યોજનાની સફળતા માત્ર ખેડૂતોના અનુભવોમાં જ નહીં, પરંતુ તેના વ્યાપમાં પણ દેખાય છે.
PM-KUSUMના કમ્પોનન્ટ-C હેઠળ ગુજરાતમાં ૬૯૫ મેગાવોટ ક્ષમતાના ૨૫૬ સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત થયા છે, જેના કારણે અંદાજે ૨.૯૭ લાખ ખેતીવાડી પંપનું સોલારાઇઝેશન થયું છે. રાજકોટ જિલ્લો ૮૧ મેગાવોટ ક્ષમતા સાથે રાજ્યમાં અગ્રેસર છે.

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ, આ યોજના ખેડૂતોને ઊર્જા અને પાણીની સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત ડીઝલના વપરાશમાં ઘટાડો કરી પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
ઊર્જા મંત્રીએ યોજના વિશે વિગતો આપતા કહ્યું, આ યોજના હેઠળ ત્રણ કમ્પોનન્ટ A, B અને C અમલમાં મુકવામાં આવ્યા છે. પી.એમ. કુસુમ કમ્પોનન્ટ-A યોજના હેઠળ ૧૬૩ મેગાવોટના પાવર પરચેઝ એગ્રીમેન્ટ-PPA કરવામાં આવ્યા છે જેની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. જ્યારે કમ્પોનન્ટ-B હેઠળ જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ ન હોય અથવા ટેકનો-કોમર્શીયલ દ્રષ્ટિએ વાયેબલ ન હોય તેવા દૂર-સુદૂરના વિસ્તારો, અંતરિયાળ પ્રદેશો અને જંગલ વિસ્તારોમાં પિયત માટે/હયાત ડીઝલ પંપ સેટને બદલીને સ્ટેન્ડ અલોન સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવામાં આવે છે. યોજના મુજબ લાભાર્થીને કુલ સિસ્ટમ ખર્ચના ૩૦ ટકા કેન્દ્ર સરકારની સહાય (CFA) અને ૩૦ ટકા રાજ્ય સરકારની સબસીડી મળે છે, જ્યારે બાકીના ૪૦ ટકા અને ન મળવાપાત્ર થતી સબસીડીની રકમ લાભાર્થી ખેડૂતે આપવાની હોય છે. આ સહાય ૭.૫ હોર્સ પાવર-HP સુધીની ક્ષમતાના પંપસેટ માટે મર્યાદિત છે.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે જંગલ વિસ્તારના ખેડૂતો માટે વિશેષ ઉદારતા દાખવી વધારાની સબસિડીની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ આદિજાતિ અને જંગલ વિસ્તારના ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી ૩૦ ટકા અને રાજ્ય સરકાર તરફથી ૭૦ ટકા સબસીડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોએ એક રૂપિયાનો પણ ફાળો આપવાનો રહેતો નથી. જ્યારે બિન-આદિજાતિ અને જંગલ વિસ્તારના ખેડૂતોને કેન્દ્ર તરફથી ૩૦ ટકા અને રાજ્ય તરફથી ૭૦ ટકા સબસિડી સાથે ખેડૂતે માત્ર ઓછો ફિક્સ્ડ ચાર્જ જ ચૂકવવાનો રહે છે. આ કમ્પોનન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ૨૨,૭૮૭ સોલાર પંપ કાર્યરત કરવામાં આવ્યા છે.

ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આજે સોલાર પંપ માત્ર એક ટેકનોલોજી નથી. તે ખેડૂતના જીવનમાં વિશ્વાસનું પ્રતીક છે. તે વધુ પાક, વધુ આવક અને વધુ સારી જીવનશૈલીનું સાધન છે.
જ્યારે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષની યાત્રાની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતના અંતરિયાળ ગામોમાં સૂર્ય ઊર્જા માત્ર ખેતરોને જ નહીં, પરંતુ હજારો પરિવારોના જીવનમાં પ્રકાશ આણી રહી છે.