Wed Sep 02 2026

Logo

કચ્છમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી: મહત્તમ તાપમાન ઘટે તેવી શક્યતા, ભેજયુક્ત બફારાથી નાગરિકો ત્રાહિમામ

2026-06-11 11:03:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી: મહત્તમ તાપમાન ઘટે તેવી શક્યતા, ભેજયુક્ત બફારાથી નાગરિકો ત્રાહિમામ

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં એક તરફ ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે બીજી તરફ અસહ્ય તાપ અને ઉકળાટ વચ્ચે ફૂંકાયેલા તીવ્ર ઝડપના પવને સમગ્ર પંથકમાં ધૂળિયો માહોલ સર્જ્યો છે. ભુજ, અંજાર અને ગાંધીધામ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ ૧૫ થી ૨૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વેગીલા વાયરાને કારણે મહત્તમ તાપમાનનો પારો થોડો અંકુશમાં રહ્યો હતો, પરંતુ વાતાવરણમાં રહેલા ભારે ભેજને કારણે અસહ્ય બફારો અને અકળામણ યથાવત્ રહ્યા હતા.

ભુજમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને કંડલા (એરપોર્ટ) ખાતે ૩૮.૬ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે જિલ્લાના મોટાભાગના મથકોમાં લઘુતમ પારો ૨૮ થી ૨૯ ડિગ્રી જેટલો ઊંચો રહેતાં રાત્રિના સમયે પણ ગરમીનો પ્રકોપ વર્તાયો હતો. દિવસ દરમિયાન ફૂંકાયેલા વેગીલા વાયરાઓને કારણે માર્ગો પર ધૂળની ડમરીઓ ઊડી હતી, જેના લીધે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જો કે, પ્રાચીન વર્ષા વિજ્ઞાનના જ્ઞાતાઓનું માનવું છે કે મૃગશીર્ષ નક્ષત્રના પ્રારંભથી પવનનું જોર વધવું એ આગામી ચોમાસામાં સારા અને શ્રીકાર વરસાદના શુભ સંકેત છે. 

(ઉત્સવ વૈદ્ય)