Mon Oct 05 2026

Logo

ગુજરાત સરકારના ક્યા મંત્રીએ લોકોની જાહેરમાં માગી માફી ? જાણો આખો મામલો

2026-06-11 11:16:00
Author: Mayur Patel
ગુજરાત સરકારના ક્યા મંત્રીએ લોકોની જાહેરમાં માગી માફી ? જાણો આખો મામલો

રાજકોટઃ ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ જાહેરમાં લોકોની માફી માગી હતી. મોરબીના જેતપર ગામે ખેતરમાં વીજપોલ નાંખવાની કામગીરીના વિવાદ વચ્ચે તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, લોકો વચ્ચે આજે એક લોકનેતા તરીકે નહીં પરંતુ ગામના દીકરા તરીકે આવ્યો છું. હું ગ્રામજનોની જાહેરમાં માફી માંગુ છું.

જેતપર ખાતે ખેડૂતોને સંબોધતા મંત્રી કાંતિ અમૃતીયાએ જણાવ્યું હતું કે, હું અહીં મારા ગામના ખેડૂતોને નુકસાન પહોંચાડવા નથી આવ્યો, પરંતુ તેમને મહત્તમ ફાયદો થાય તે માટે આવ્યો છું. તેમણે વધુમાં ખાતરી આપી હતી કે, વીજપોલના કારણે જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે, તેમને યોગ્ય વળતર અપાવવા માટે વહીવટી તંત્ર અને કંપની સાથે બેસીને સુખદ રસ્તો કાઢવામાં આવશે. 

શું છે આખો મામલો
મોરબી જિલ્લામાં વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનના વળતરનો મુદ્દો વધુ ગરમાયો હતો. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે જેતપર સહિતના આસપાસના ગામોના ખેડૂતોએ એક થઈને તંત્ર સામે રણશિંગું ફૂંક્ય હતું. આશરે 600 થી 700 જેટલા ખેડૂતો 50 થી 55 જેટલા ટ્રેક્ટરોની વિશાળ રેલી સ્વરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિવાદને ઠારવા ધારાસભ્ય કાંતિ અમૃતિયા આવ્યા હતા.

ખેડૂતોએ આવેદનપત્ર આપતી વખતે સ્પષ્ટ ચેતવણી આપી  કે જો આગામી બે દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ આંદોલન વધુ તેજ કરશે. કલેક્ટર કચેરીએ પહોચેલા ખેડૂત આગેવાનોએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી કે, ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10D મુજબ ખેડૂતોને તેમની જમીન અને પાકને થતી સંપૂર્ણ નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ખેડૂતોને એડવાન્સ પેમેન્ટ (આગાઉથી ચૂકવણી) આપ્યાં બાદ જ ખેતરોમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરવામાં આવે. હાલમાં ખેડૂતોની મરજી વિરુદ્ધ પોલીસ બંદોબસ્ત ગોઠવીને જે જોહુકમીથી કામગીરી ચલાવવામાં આવી રહી છે, તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.