Sun Sep 06 2026

Logo

પ્લાસ્ટિકની રિવોલ્વરથી જ્વેલર્સને ધમકાવી દાગીના લૂંટવાનો પ્રયાસ કરનારો પકડાયો

2026-06-30 17:32:38
Author: Yogesh C. Patel
પ્લાસ્ટિકની રિવોલ્વરથી જ્વેલર્સને ધમકાવી દાગીના લૂંટવાનો પ્રયાસ કરનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પ્લાસ્ટિકની રિવોલ્વરથી જ્વેલર્સને ધમકાવી દુકાનમાંથી સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કરનારા બે લૂંટારામાંથી મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. રિવાલ્વર નકલી હોવાનું ધ્યાનમાં આવતાં દુકાનદારે બન્ને લૂંટારાનો સામનો કર્યો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી. ધમાચકડીમાં દાગીના છોડી ભાગી રહેલા બેમાંથી એક લૂંટારાનો મોબાઈલ ઘટનાસ્થળે પડી ગયો હતો.

તુલિંજ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ક્ધનન મુર્ગેશ તેવર (50) તરીકે થઈ હતી. વડાલાના કોકરી બસ ડેપો નજીકની ગણેશ ચાલમાં રહેતા તેવરને સોમવારે છટકું ગોઠવી ઘર નજીકથી તાબામાં લેવાયો હતો. રેકોર્ડ પરના આરોપી તેવર વિરુદ્ધ મુંબઈના સાયન, દાદર અને એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને એમસીઓસીએ હેઠળ ગુના નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર સતત ત્રણ દિવસ સુધી તેવર તેના સાથી સાથે નાલાસોપારા પૂર્વમાં નગીનદાસ પાડા ખાતે આવેલી નીલમ જ્વેલર્સમાં દાગીના ખરીદવાને બહાને ગયો હતો. દાગીના જોયા પછી તે ખરીદ્યા વિના જ જતો રહેતો. ત્રીજે દિવસે આરોપી તેના સાથી સાથે દુકાનમાં ગયો હતો અને ઈયરિંગ્સ બતાડવાનું કહ્યું હતું. પછી દુકાનદાર કંઈ સમજે તે પહેલાં આરોપીએ રિવોલ્વરની ધાક બતાવી દાગીના આપવાનું કહ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું હતું કે કાઉન્ટર પરથી દાગીનાની ટ્રે ખેંચવાનો પ્રયાસ આરોપીએ કરતાં ટ્રે નીચે પડી ગઈ હતી. એ દરમિયાન ચૌધરીને ધ્યાનમાં આવ્યું હતું કે આરોપીની હાથમાંની રિવોલ્વર પ્લાસ્ટિકની છે એટલે તેણે બન્ને સાથે ઝપાઝપી કરી મદદ માટે બૂમો પાડી હતી. આસપાસના દુકાનદાર દોડી આવતાં બન્ને આરોપી નાસી છૂટ્યા હતા.

કહેવાય છે કે એક આરોપીનો મોબાઈલ ઘટનાસ્થળે પડી ગયો હતો. તેને આધારે પોલીસે આરોપીની શોધ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી વડાલામાં હોવાની માહિતી મળી હતી.