Sun Oct 04 2026

Logo

પ્રસ્તાવિત કોસ્ટલ રોડ ગાર્ડનથી બ્રીચ કેન્ડીના રહેવાસીઓનું ટેન્શન વધ્યું

2026-09-06 08:56:00
Author: Sapna Desai
પ્રસ્તાવિત કોસ્ટલ રોડ ગાર્ડનથી બ્રીચ કેન્ડીના રહેવાસીઓનું ટેન્શન વધ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રસ્તાવિત કોસ્ટલ રોડ ગાર્ડન માટે આ મહિનાના અંતમાં શિલાન્યાસ  થવાની ધારણા વચ્ચે બ્રીચ કેન્ડી અને પડોશી વિસ્તારોના રહેવાસીઓને એવો ડર સતાવી રહ્યો છે કે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા  તેમના માટે માથાનો દુખાવો બની શકે છે.  આ ગાર્ડનમાં પર્યટકોની ભીડ થવાની શકયતાને પગલે રાહદારીઓની સલામતી, પાર્કિંગ ક્ષમતા અને વધારાના ફૂટફોલને નિયંત્રિત કરવા માટે હાલના રસ્તાઓની ક્ષમતા પર પણ સ્થાનિક નાગરિકોએ સવાલ ઉપસ્થિત કર્યા છે.

બ્રીચ કેન્ડી નજીકનો રિક્લેમ કરેલો વિસ્તાર આગામી સમયમાં સ્પોર્ટ કોર્ટ, ફોરેસ્ટ ટ્રેલ, વર્કઆઉટ પોડ્સ, બટરફ્લાય ગાર્ડન અને ફૂડ ઍન્ડ બેવરેજ કિઓસ્કની યોજનાઓ સાથે એક છૂટાછવાયા મનોરંજનના ક્ષેત્ર તરીકે ઉભરી આવવાનો  છે. આજુબાજુના દરિયાકાંઠાના બગીચાઓમાં પેડલ અને પિકલબોલ કોર્ટ, ભાડા પર સાઈકલ, બાળકોની સુવિધાઓ, પેટીંગ ઝૂ, ટોય ટ્રેન, બર્ડ ટ્રેઇલ અને જળચર પ્રદર્શનની પણ યોજના છે. જોકે રહેવાસીઓને ડર છે કે મુલાકાતીઓનો ધસારો અહીં પહેલાથી જ રહેલા ટ્રાફિક, પાર્કિંગ અને રાહદારીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની હાલતને વધુ ખરાબ કરી શકે છે.

શનિવારે સાયમરોઝા આર્ટ ગેલેરી ખાતે  બ્રીચ કેન્ડીના રહેવાસીઓની કોસ્ટલ રોડ ગાર્ડન અને પડોશમાં અન્ય આયોજિત વિકાસની અસરની ચર્ચા કરવા માટે એક બેઠક થઈ હતી. બ્રીચ કેન્ડીના રહેવાસીના કહેવા મુજબ મીટિંગનો ઉદ્દેશ્ય સ્થાનિકોને રીક્લેમ કરેલી જમીન પર શું આયોજન કરવામાં આવ્યું છે અને કેવી રીતે વિકાસ તેમના રોજિંદા જીવનને અસર કરી શકે છે, તેમાં પણ ખાસ કરીને ટ્રાફિક, પ્રકાશ પ્રદૂષણ  સંદર્ભમાં જાગૃત કરવાનો હતો. 

ચર્ચા કરાયેલા સૂચનોમાંના એકમાં બ્રીચ કેન્ડી દ્વારા બહુવિધ એન્ટ્રી પોઈન્ટ બનાવવાને બદલે મુલાકાતીઓને કોસ્ટલ રોડ ગાર્ડન અને અન્ય આકર્ષણોમાં લઈ જવા માટે હાજી અલી તરફથી શટલ સેવા શરૂ કરવા બાબતે હતી.  બગીચાના માસ્ટર પ્લાનની આંતરિક સમીક્ષાએ બ્રીચ કેન્ડીના રહેવાસીઓને ચિંતિત કર્યા છે કે સૂચિત આકર્ષણોના સ્કેલથી મુલાકાતીઓની સંખ્યામાં તીવ્ર વધારો થઈ શકે છે અને રસ્તાઓ અને પાર્કિંગ પર દબાણ વધી શકે છે. એક અભ્યાસ મુજબ પીક અને વીકએન્ડના દિવસોમાં પગપાળા મુલાકાતીઓ એક લાખને સ્પર્શે તેવી અપેક્ષા છે.