Thu Jan 29 2026

Logo

White Logo

અજીત પવારનું ક્રેશ થયેલું પ્લેન ઉડાવી રહેલી પાયલોટ કેપ્ટન શાંભવીએ ન્યુઝીલેન્ડમાં લીધી હતી ટ્રેઈનિંગ...

1 day ago
Author: Tejas
Video

Captain Shambhavi Pathak


મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે, ત્યારે આ દુર્ઘટનામાં વિમાનના કમાન્ડ સંભાળનાર મહિલા પાયલટ કેપ્ટન શાંભવી પાઠકનું પણ અવસાન થયું છે. શાંભવી એક અત્યંત કુશળ અને પ્રશિક્ષિત પાયલટ હતા, જેઓ લેન્ડિંગ સમયે સર્જાયેલી આ કટોકટીમાં મુસાફરોને બચાવવા માટે અંતિમ ક્ષણ સુધી ઝઝૂમ્યા હતા. બારામતી એરપોર્ટ પર થયેલો આ અકસ્માત માત્ર એક રાજકીય ક્ષતિ નથી, પણ ઉડ્ડયન ક્ષેત્રની એક ઉભરતી પ્રતિભાની ખોટ પણ છે.

ન્યુઝીલેન્ડથી મેળવી હતી ટ્રેનિંગ

મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સ અને એવિએશન સાયન્સમાં બીએસસી પૂર્ણ કર્યા બાદ શાંભવી પાઠકે આકાશમાં ઉડવાનું સપનું સાકાર કરવા ન્યુઝીલેન્ડનો રુખ કર્યો હતો. તેમણે ન્યુઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાયલટ એકેડેમીમાંથી વ્યાવસાયિક તાલીમ લીધી હતી. વર્ષ 2018-19 દરમિયાન તેમણે ત્યાં ફ્લાઈંગની બારીકાઈઓ શીખી અને ન્યુઝીલેન્ડ સિવિલ એવિએશન ઓથોરિટી પાસેથી કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું હતું. ભારત પરત ફર્યા બાદ પણ તેમણે DGCA ના તમામ માપદંડો પૂર્ણ કરીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.

શાંભવી માત્ર પાયલટ જ નહીં, પરંતુ એક સક્ષમ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ હતા. તેમની પાસે નવા પાયલટોને તાલીમ આપવાની યોગ્યતા (Flight Instructor Rating) હતી. તેમણે સ્પાઈસજેટમાંથી એવિએશન સિક્યુરિટી (AVSEC) ની ખાસ તાલીમ પણ લીધી હતી. ઓગસ્ટ 2022 થી તેઓ 'વીએસઆર વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ'માં ફુલ-ટાઈમ ફર્સ્ટ ઓફિસર તરીકે કાર્યરત હતા. તેઓ ખાસ કરીને 'લિયરજેટ-45' (Learjet 45) જેવા અત્યંત હાઈ-પરફોર્મન્સ ધરાવતા બિઝનેસ જેટ ઉડાડવામાં નિષ્ણાત હતા.

એવિએશન સેક્ટરમાં લિયરજેટ જેવા બિઝનેસ જેટના ફર્સ્ટ ઓફિસર તરીકે જવાબદારી નિભાવવી એ ગર્વની વાત ગણાય છે. શાંભવી પાઠક વીઆઈપી, ઉદ્યોગપતિઓ અને ટોચના નેતાઓને લઈ જવાની મહત્વની જવાબદારી સંભાળતા હતા. આ ક્ષેત્રમાં તેમના જેવા અનુભવી ફર્સ્ટ ઓફિસરનો માસિક પગાર અંદાજે 3 થી 4 લાખ રૂપિયાની આસપાસ હતો. શાંભવીની વ્યાવસાયિક નિપુણતા અને સુરક્ષા પ્રત્યેની તેમની ગંભીરતાને કારણે જ તેમને અજિત પવાર જેવા મહત્વના નેતાના વિમાનની જવાબદારી સોંપવામાં આવી હતી.