(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ માટે આશ્રય યોજના હેઠળ ઘર આપવામાં આવવાના છે. ચેમ્બુરમાં પાલિકા દ્વારા ૫૮૦ ઘર બાંધવામાં આવવાના છે, જે ૩૦૦ ચોરસ ફૂટના હશે. પ્રીફૅબ્રિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી ટકી રહે તેવા ઘર બાંધવા માટે પાલિકા દ્વારા કૉન્ટ્રેક્ટર નીમવામાં આવવાનો છે.
ચેમ્બુર વિલેજમાં પી.એલ. લોખંડે રોડ પર આવેલા પ્લોટમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવવાનો છે. ૩૦૦ ચોરસ ફૂટના ક્ષેત્રફળના ૫૮૦ ઘર બાંધવામાં આવવાના છે. આ પ્રોજેક્ટ માટે પાલિકા દ્વારા ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. મુંબઈ મહાનગરપાલિકામાં હાલ લગભગ ૨૮,૦૦૦ સફાઈ કર્મચારીઓ કામ કરે છે. આ કામગારો માટે પાલિકાના ક્વોટર્સમાં માત્ર છ હજાર ઘર છે.
સફાઈનું કામ કરનારા મોટાભાગના લેબર ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાથી તેમને માલિકીના ઘર આપવાની માગણી લાંબા સમયથી થઈ રહી હતી. તે માટે નીમવામાં આવેલા કમિશનર તરફથી ઘરની ભલામણ કરવામાં આવી હતી, જે રાજ્ય સરકાર અને પાલિકા તરફથી માન્ય કરવામાં આવી છે.
પાલિકાની આશ્રય યોજના અંતર્ગત ચેમ્બુરમાં સફાઈ કર્મચારીઓ માટે ગૃહનિર્માણ પ્રોજેક્ટના બીજા તબક્કા માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રીફૅબ્રિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી ગુણવત્તાસભર બાંધકામ કરવા માટે ટર્નકી પદ્ધતિએ કૉન્ટ્રેક્ટર નીમવામાં આવ્યો છે.