Mon Sep 07 2026

Logo

ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી: સાસુ-વહુના કમકમાટીભર્યા મોત

2026-05-25 09:33:00
Author: Mayur Patel
ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી: સાસુ-વહુના કમકમાટીભર્યા મોત

રાજકોટઃ ગોંડલ નજીક આજે સવારે શ્રદ્ધાળુઓની ખાનગી બસ પલટી ગઈ હતી. જેમાં સાસુ-વહુના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. જે પૈકી પાંચથી સાત લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી એક ખાનગી લકઝરી બસ રવિવારે પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓને લઈ ધાર્મિક સ્થળોના દર્શન કરવા ઉપડી હતી. આ બસ આજે ગામ પરત પત હતી ત્યારે વહેલી સવારે 4.30 વાગ્યા આસપાસ વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પર અકસ્માતનો ભોગ બની હતી. સામેથી આવેલી રહેલા એક ટ્રકને જગ્યા આપવા બસ ચાલકે વાહન રિવર્સ લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ગઈ હતી. 

બસ પલટી મારતાં જ મુસાફરોની ચીસાચીસથી રોડ ગુંજી ઉઠ્યો હતો. તેમજ અકસ્માતની જાણ થતાં રોડ પરથી પસાર થતાં વાહનચાલકો તથા નજીકના ગામ લોકો આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં સાસુ-વહુના ઘટના સ્થળે જ મોત થયા હતા. એક જ પરિવારના બે લોકોના મોતથી માહોલ ગમગીન બની ગયો હતો.

અકસ્માત સમયે બસમાં 60થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. અકસ્માતની ગંભીરતાને જોતા ગોંડલ નગરપાલિકાની 3 એમ્બ્યુલન્સ, 108ની 4 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ  દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.