નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો ઘટાડો અને એટીએફ અને ડીઝલ પર નિકાસ ડ્યુટીમાં વધારો કરવાથી પખવાડિયામાં ₹ ૫૫૦૦ કરોડનું ચોખ્ખું નુકસાન થશે, એમ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ચેરમેન વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી લગભગ ₹૭૦૦૦ કરોડનું મહેસૂલ નુકસાન થશે, જ્યારે ડીઝલ અને એટીએફની નિકાસ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવાથી પખવાડિયામાં ₹ ૧૫૦૦ કરોડ વધુ મળશે.
એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા પછી, પેટ્રોલ પર એક્સાઇઝનો દર પ્રતિ લિટર રૂ. ૧૧.૯ થશે (રૂ. ૧.૪૦ બેઝિક એક્સાઇઝ ડ્યુટી, રૂ. ૩ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, રૂ. ૨.૫૦ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ, અને રૂ. ૫ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ).
ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર, ૨૬ માર્ચથી પ્રતિ લિટર રૂ. ૨૧.૫ અને રૂ. ૨૯.૫ની નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે. દર પખવાડિયાના આધારે આ દરોની સમીક્ષા કરવામાં આવશે.
ડીઝલ અને એટીએફ પર નિકાસ ડ્યુટી લાદવાનું પગલું "ડીઝલ અને એટીએફની સ્થાનિક ઉપલબ્ધતાને પ્રાથમિકતા આપવા અને "વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે, જે પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે વધુ ખરાબ થઈ છે", તેવું ચતુર્વેદીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.