(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતના અમુક જિલ્લામાં પેટ્રોલપંપ બહાર નૉ સ્ટોકના બોર્ડ લાગ્યા હોવાની માહિતી સૂત્રો આપી રહ્યા છે. એક અહેવાલ અનુસાર મહીસાગર જિલ્લાના 60 કરતા વધારે પેટ્રોલપંપ બહાર આવા બોર્ડ લાગ્યા હતા. આના કારણે વાહનચાલકોએ લાંબી લાઈનો લગાવી હતી અને એક પેટ્રોલપંપથી બીજા પેટ્રોલપંપ ધક્કા ખાધા હતા.
સૂત્રો અનુસાર રપેટ્રોલ પંપ માલિકોનો દાવો છે કે છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં ઈંધણ પુરવઠો પહોંચ્યો નથી. જ્યારે અમુક પંપ સંચાલકો જણાવે છે કે આગામી બે થી ત્રણ દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે. જોકે ત્યાં સુધીમાં જિલ્લામાં ઈંધણની તીવ્ર અછત રહેશે, તેવું સૂત્રો જણાવે છે.
ગોધરા શહેરમાં પણ પેટ્રોલની અછત હોવાનું જાણવા મળ્યું હતું. શહેરા તાલુકામાં પણ સ્ટોક ખાલી થઈ જવાના બોર્ડ લાગ્યા હતા. અહીં વહેલી સવારથી જ પેટ્રોલપંપ બહાર લાઈનો લાગવાનું શરૂ થઈ ગયું હતું.
હાલમાં ખેતીનું કામ પૂરજોશમાં ચાલુ છે અને તે સાથે લગ્નની સિઝન તેમ જ વેકેશન પણ ચાલે છે. જેથી ઈંધણની માગ વધુ છે. જો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક સમયસર નહીં પહોંચે તો મુશ્કેલીઓ વધશે.
જોકે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સ્થાનિક તંત્રો દ્વારા મળ્યું નથી.