Thu Oct 01 2026

Logo

નાક કપાયું એટલે નકવી ગુસ્સામાંઃ સલમાન, બાબર સહિત કેટલાક ખેલાડીઓની કરશે હકાલપટ્ટી

2026-02-28 17:07:36
Author: Ajay Motiwala
નાક કપાયું એટલે નકવી ગુસ્સામાંઃ સલમાન, બાબર સહિત કેટલાક ખેલાડીઓની કરશે હકાલપટ્ટી

લાહોરઃ પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપની બહાર થઈ જવાની તૈયારીમાં આવી ગયું ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચૅરમૅન મોહસિન નકવીએ આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના ખરાબ પર્ફોર્મન્સને ધ્યાનમાં લઈને (ખાસ કરીને ભારત સામેની નાલેશીને પગલે) ટીમમાંથી કેટલીક `વિકેટો પાડી દેવાની' મનમાં ગાંઠ વાળી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. કહેવાય છે કે સલમાન આગા (SALMAN AGHA) પાસેથી કૅપ્ટન્સી તો લઈ જ લેવાશે, એ ઉપરાંત તેને તેમ જ બાબર આઝમ, ઉસ્માન ખાન સહિત કેટલાક ખેલાડીઓની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પડદો પણ પાડી દેવામાં આવશે.

પીસીબીની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે `વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ જે રીતે રમી એનાથી નકવી નારાજ છે. તેમની નારાજગીનું સૌથી મોટું કારણ એ છે કે સિલેક્ટરો, ટીમ મૅનેજમેન્ટ તેમ જ બોર્ડમાં તેમના (નકવીના) નજીકના જે સાથીઓ છે તેમણે ખાતરી આપી હતી કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સારું રમશે. જોકે એ આશા ઠગારી નીવડી રહી છે.'

પીસીબીના સૂત્રએ જણાવ્યું હતું કે `નકવીએ ટી-20 ટીમના કૅપ્ટનપદેથી સલમાન આગાને તગેડી મૂકવાનું નક્કી કરી લીધું છે તેમ જ હેડ-કોચ માઇક હેસન સાથે તેમ જ સિલેક્ટરો સાથે પાકિસ્તાનની ભાવિ ટીમ બાબતમાં ચર્ચા કરવાનું નક્કી કર્યું છે.'

એવું પણ મનાય છે કે સલમાન આગાના સ્થાને કદાચ પેસ બોલર શાહીન શાહ આફ્રિદીને અથવા ઑલરાઉન્ડર શાદાબ ખાનને પાકિસ્તાનની ટીમનું સુકાન સોંપાશે.