નવી દિલ્હી: આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભૂયાન સરમા સામે આરોપો લગાવીને કોંગ્રેસ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા મુસીબતમાં ફસાયા છે. સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે પવન ખેડાની આગોતરા જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે.
રિંકી ભૂયાન શર્મા દ્વારા પવન ખેડા સામે માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે પવન ખેડાની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
સુનાવણી દરમિયાન ખેડાએ કહ્યું કે જો તેમને તેમની સામે નોંધવમાં આવેલા કેસમાં આગોતરા જામીન આપવામાં નહીં આવે, તો ધરપકડ પૂર્વે જામીનનો સમગ્ર હેતુ નિષ્ફળ જશે. પવન ખેડાએ કોર્ટને જણાવ્યું, 'મારી ધરપકડ કરીને મારું અપમાન કરવું જરૂરી નથી.'
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી પવન ખેડા વતી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા આસામ રાજ્ય વતી હાજર થયા હતાં. બંને તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી. સિંઘવીએ આ કેસને "અભૂતપૂર્વ કેસ" ગણાવ્યો અને આસામના મુખ્યપ્રધાનને "ફરિયાદીના બોસના બોસના બોસ" ગણાવ્યા.
હિમંત સરમા કાઉબોય કેવી ભાષા બોલે છે!
હિમંત સરમા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના સંદર્ભમાં સિંઘવીએ કોર્ટ સમક્ષ આ દલીલો કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે તેમના અસીલને આજીવન કેદની ધમકી આપવામાં આવી રહી છે. સિંઘવીએ કહ્યું, "જો કોઈ બંધારણીય પદ પર રેહેલી વ્યક્તિ કાઉબોય અથવા રેમ્બો જેવી ભાષા બોલશે તો ડૉ. આંબેડકરને પીડા થશે."
સિંઘવીએ જણાવ્યું કે તેમના અસીલ સામેના મોટાભાગના આરોપો માનહાનિ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાને લગતા છે, તેમણે (રિંકી ભૂયાન સરમાની) ધરપકડ કે કસ્ટોડિયલ પૂછપરછની માંગણી કરી ન હતી.
ધરપકડની શું જરૂર?
પવન ખેડા એ કહ્યું, "ધારો કે મને આખરે દોષિત ઠેરવવામાં આવે છે....પરંતુ હાલ ધરપકડની જરૂર શું છે? આ કેસમાં એવું શું છે જે ધરપકડ વિના ન થઈ શકે?"
તેમણે કહ્યું બંધારણની કલમ 21 હેઠળ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવાની ગેરંટી આપવામાં આવી છે. સિંઘવીએ કહ્યું પવન ખેડા કોઈ "કઠોર ગુનેગાર" નથી.
આસામ સરકારની દલીલો:
સિંઘવીની દલીલોના જવાબમાં મહેતાએ જણાવ્યું કે ખેડાએ મુખ્ય પ્રધાનની પત્ની પરના આરોપો સાથે રજુ કરેલા ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજોના સ્ત્રોતને સ્થાપિત કરવા માટે ખેડાની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. સોલિસિટર જનરલે કહ્યું કે આપણી ચૂંટણીઓમાં (આસામમાં 9 એપ્રિલે મતદાન થયું હતું) વિદેશી તત્વો દખલ કરી રહ્યા છે. તેમને એવો પણ દાવો કર્યો કે ખેડા ફરાર થઇ ગયા હતા.
માનહાનીનો દાવો:
પવન ખેડાએ આરોપો લગાવ્યા હતાંકે થી રિંકી ભૂયાન સરમા પાસે એકથી વધુ વિદેશી પાસપોર્ટ છે અને વિદેશમાં તેમની મિલકતો છે. આ નિવેદન બાદ, આસામ પોલીસે તેમની સામે માનહાની કેસ દાખલ કર્યો. ગુવાહાટી હાઈકોર્ટે ખેડાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યાર બાદ તેમણે સુપ્રીમ કોર્ટ અરજી દાખલ કરી હતી.