Thu Jun 18 2026

Logo

ગામડે દીકરી દેવા કોઈ તૈયાર નથી, 'ચિંતન' નહીં કરો તો સ્થિતિ બગડશે: રૂપાલાની સમાજને હાકલ

2026-03-22 20:44:47
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ:
ગુજરાતમાં ચૂંટણીના એંધાણ પૂર્વે રાજકોટ નજીક ઈશ્વરીયા ગામમાં ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું હતું, જ્યાં રૂ. 125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે રાજકોટના સાંસદ અને પાટીદાર સમાજના આગેવાન પુરુષોત્તમ રૂપાલાએ સમાજના વિસારાયેલા મૂલ્યો અને સામાજિક માળખા પર ટકોર કરી હતી. 

રૂપાલાએ કહ્યું હતું કે આપણે એક તારીખે લગ્ન કરવાની પરંપરા હતી, જે આજે વિસરાઈ ચૂકી છે. આજના સમયે લગ્નમાં રૂઢ થઈ ગયેલો પ્રિવેડિંગનો રિવાજ અડખે પડખેથી આપણામાં આવી ગયો છે. 
પહેલાના સમયમાં જે ખર્ચે લગ્ન થતાં હતા, તેટલા ખર્ચથી માત્ર આજના સમયમાં આલ્બમ બને છે.

તેમણે કહ્યું હતું કે લગ્નના ગીતો, મૃત્યુ સમયના ખરખરા જેવી બાબતોથી આજની પેઢી વેગળી થઈ ચૂકી છે. આ બાબતે પારિવારિક માહોલમાં ચિંતન કરવાની તેમણે જરૂર હોવાનું જણાવ્યું હતું.  

તેમણે સમાજની વર્તમાન પરિસ્થિતિ પર ટકોર કરતાં કહ્યું હતું કે આપણાં મૂળ ગામડામાં છે, પરંતુ આજના સમયમાં ગામડામાં દીકરી દેવા કોઇ તૈયાર નથી. એક સમયે ખાનદાન, ખેતી જોઇને દીકરી દેવામાં આવતી હતી, આજે તે ભૂલાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે.

પહેરવેશ બાબતે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું વિદેશ ગયો તો ડ્રેસ કોડને લીધે એન્ટ્રી ન મળી. જોકે મે કહ્યું કે ચોયણી-ઝભ્ભો એ મારી ટ્રેડિશન છે, જેથી મને એન્ટ્રી આપી. યુવતીઓ એવા ડ્રેસ ન પહેરે કે કોઈ ગીધ નજરથી જુએ. કેવો ડ્રેસ પહેરવો તે માતાઓની જવાબદારી છે. અંગોનું પ્રદર્શન થાય તેવા ડ્રેસ કોડને પ્રમોશન ન આપવું જોઈએ. તેમણે એક તારીખે જ લગ્ન થાય તેવું બંધારણ ઘડવા માટે હાકલ કરી હતી.