Thu Sep 03 2026

Logo

કામની વાત: પ્રોપર્ટી કે ગોલ્ડ ખરીદવું છે? PAN Card સંબંધિત આ ભૂલ તમને જેલ ભેગા કે  પેનલ્ટીના ચક્કરમાં ફસાવી શકે છે...

2026-06-18 19:35:19
Author: Darshana Visaria
કામની વાત: પ્રોપર્ટી કે ગોલ્ડ ખરીદવું છે? PAN Card સંબંધિત આ ભૂલ તમને જેલ ભેગા કે  પેનલ્ટીના ચક્કરમાં ફસાવી શકે છે...

આધાર કાર્ડના આજના સમયમાં પેન કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ તે આપણા તમામ ફાઈનાન્શિયસ ટ્રાન્ઝેક્શનનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો છે. બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવવાથી લઈને મોટું ઈન્વેસ્ટમેન્ટ કરાવવા સુધી દરેક જગ્યાએ પેન કાર્ડ ફરજિયાત છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નિયમો અનુસાર, જો તમે કોઈ મોટો ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો, તો પેન કાર્ડ આપવું અનિવાર્ય છે. ખાસ કરીને બે લાખ રૂપિયા કે તેથી વધુની ટ્રાન્ઝેક્શન મર્યાદા માટેના નિયમો ખૂબ જ કડક છે.

સરકાર દેશમાં બ્લેક મની અને ટેક્સ ચોરી રોકવા માટે મોટા ટ્રાન્ઝેક્શન પર ચાંપતી નજર રાખે છે. ઈન્કમટેક્સ એક્ટના નિયમો મુજબ, જ્યારે પણ તમે કોઈ વસ્તુની ખરીદી કે વેચાણ કરો અને તેની કિંમત બે લાખ રૂપિયા કે તેથી વધુ હોય, ત્યારે પેન કાર્ડ નંબર આપવો કાયદેસર રીતે ફરજિયાત છે. પછી ભલે ને એ ટ્રાન્ઝેક્શન રોકડમાં કરાયું હોય કે ડિજિટલ પેમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હોય.

આ તમામ કામમાં પેનકાર્ડ છે જરૂરી...

પ્રોપર્ટીની ખરીદી: જો તમે કોઈ સ્થાવર મિલકત (જમીન કે મકાન) ખરીદો છો જેની કિંમત બજાર ભાવ મુજબ વધુ છે, તો પેન કાર્ડ વગર આ ડીલ શક્ય નથી.

સોના કે દાગીનાની ખરીદી: બુલિયન અથવા જ્વેલરીની ખરીદી વખતે જો બિલ બે લાખ રૂપિયાથી ઉપર જાય છે, તો જ્વેલર તમારા પેન કાર્ડની વિગતો માંગશે.

વાહનની ખરીદી કે વેચાણ: ફોર-વ્હીલર કે અન્ય કોઈ વાહનની ખરીદી-વેચાણ સમયે પેન કાર્ડ આપવું પડે છે (સિવાય કે તે ટુ-વ્હીલર હોય).

મોટી રોકડ ડિપોઝિટ: બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક જ દિવસમાં 50,000 રૂપિયાથી વધુ અથવા વર્ષમાં નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ જમા કરાવવા પર પેન કાર્ડ જરૂરી બને છે.

નિયમોનું ઉલ્લંઘન કરવા પર થઈ શકે છે દંડ

જો કોઈ વ્યક્તિ જાણીજોઈને મોટા ટ્રાન્ઝેક્શન વખતે પાન કાર્ડ નથી આપતી અથવા ખોટો પાન નંબર રજૂ કરે છે, તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આનાથી માત્ર નોટિસ આવવાનો જ ભય નથી રહેતો, પરંતુ નિયમોના ભંગ બદલ ભારે પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે. એટલે જ, કોઈપણ મોટી નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે હંમેશા તમારા સાચા અને અપડેટ થયેલા પેન કાર્ડનો જ ઉપયોગ કરો.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના એવા સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...