મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તણાવ ભર્યા છે, એવામાં ટેકનિકલ ખામીને કારણે અરબી સમુદ્રમાં ફસાયેલા ભારતીય જહાજને પાકિસ્તાનની નેવી મદદ કરી હતી. પાકિસ્તાની નેવીએ ફસાયેલા ભારતીય જહાજના ઈમરજન્સી કોલનો જવાબ આપ્યો હતો, અને જહાજના ક્રૂને ખોરાક, તબીબી સુવિધા અને અન્ય કટોકટી સહાય પૂરી પાડી હતી.
પાકિસ્તાનના લશ્કરના એક નિવેદનને ટાંકીને એક અહેવાલ જણાવવામાં આવ્યું કે એમવી ગૌતમ નામનું જહાજ ઓમાનથી ભારત આવી રહ્યું હતું, આ દરમિયાન જહાજમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે તે સમુદ્રમાં ફસાઈ ગયું હતું.
PMSS કાશ્મીર જહાજ મદદે આવ્યું:
મુંબઈના મેરીટાઇમ રેસ્ક્યુ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટરે પાકિસ્તાન અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને મદદની વિનંતી કરી હતી, ત્યાર બાદ પાકિસ્તાનના નૌકાદળે છ ભારતીયો અને એક ઇન્ડોનેશિયન ક્રૂ માટે બચાવ અને સહાય કામગીરી શરૂ કરી હતી. ભારતીય જહાજની મદદ માટે પાકિસ્તાની નેવીએ PMSS કાશ્મીર નામના જહાજ તૈનાત કર્યું.
અહેવાલ મુજબ એમવી ગૌતમ જહાજને સ્થિર કરવા અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખોરાક, તબીબી સહાય અને તકનીકી સહાય સહિત કટોકટી સહાય પૂરી પાડવામાં આવી.
જહાજમાં સંપૂર્ણ પાવર ફેઇલ્યોર:
એક મીડિયા અહેવાલ મુજબ ગાંધીનગરમાં આવેલા ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના પ્રાદેશિક મુખ્યાલયને 4 મેના રોજ રાત્રે 11:22 વાગ્યે MV ગૌતમમાં સર્જાયેલી કટોકટી અંગે જાણ કરવામાં આવી હતી. જનરેટરમાં ખામીને કારણે 3 મેના રોજ જહાજમાં સંપૂર્ણ પાવર ફેઇલ્યોર સર્જાયો હતું. ઘટના સમયે, જહાજ પાકિસ્તાનના સર્ચ એંસ રેસ્ક્યુ રિજિયન(SRR) માં સ્થિત હતું.
મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) એ પાકિસ્તાની અધિકારીઓને જહાજ અંગે માહિતી આપી. જહાજ લગભગ 1.5 નોટની સરેરાશ ઝડપે પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં વહેવા લાગ્યું.
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) ના ટેકનિકલ કર્મચારીઓ જહાજ સુધી પહોંચ્યા. મૂલ્યાંકન બાદ જાણવા મળ્યું કે મુખ્ય જનરેટરનું મેન્ટેનન્સ થઇ શકે એમ નથી.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ(ICG) એ શિપિંગ ડિરેક્ટોરેટ જનરલ, મુંબઈને વિનંતી કરી છે કે તેઓ જહાજના માલિકને ટોઇંગ સહાય માટે યોગ્ય ટગ વ્યવસ્થા કરવાની સલાહ આપે, કારણ કે જહાજમાં પ્રોપલ્શન નથી, જેના કારણે નજીકના શિપિંગ ટ્રાફિક નેવિગેશનલ જોખમ ઊભું થયું છે.
Pakistan Navy helps stranded vessel MV GAUTAM in the Arabian Sea while en route to India, providing food, medical aid and technical support to 7 crew after a distress alert from MRCC Mumbai pic.twitter.com/QDl6q3dlSG
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) May 6, 2026
ગયા મહિને પાકિસ્તાને જણાવ્યું હતું કે તેની નેવીએ ઉત્તર અરબી સમુદ્રમાં એક ભારતીય વેપારી જહાજના 18 ક્રૂ સભ્યોને બચાવ્યા હતાં.