ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં એક નિવેદનમાં પાકિસ્તાનને આડકરતી રીતે ચેતવણી આપતા કહ્યું હતું કે પાડોશી દેશના કોઈ પણ દુ:સાહસનો અભૂતપૂર્વ કાર્યવાહીથી જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારતને વળતો જવાબ આપ્યો છે, તેમણે કોલકાતા સુધી હવાઈ હુમલો કરવાની ચેતવણી આપી.
રાજનાથ સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદુર હજુ પૂરું થયું નથી, જો ભારતમાં ફરી કોઈ આતંકવાદી હુમલો થશે તો પાકિસ્તાના સામે અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેના જવાબમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે તેમનો દેશ ભવિષ્યમાં કોઈપણ "દુઃસાહસની ઘટના" નો જવાબ કોલકાતામાં હવાઈ હુમલો કરીને આપશે.
ભારત પર ગંભીર આરોપ
ખ્વાજા આસિફે કહ્યું,"જો ભારત આ ફરી કોઈ નકલી ફ્લેગ ઓપરેશન કરવાનો પ્રયાસ કરશે, અમે કોલકાતા સુધી હુમલા કરીશું."
આસિફે દાવો કર્યો કે ભારત "ફોલ્સ ફ્લેગ" ઓપરેશનના કરી શકે છે, એટલે કે ભારત "પોતાના માણસો અથવા અટકાયતમાં રહેલા પાકિસ્તાનીઓ"ના મૃતદેહો મૂકી અને પાકિસ્તાન પર આતંકવાદનો આરોપ મૂકી શકે છે.
આસિફે આ દાવાને સાબિત કરવા હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી, ખ્વાજા આસિફના આ નિવેદન અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આસિફે કહ્યું,"હું એ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે પાકિસ્તાન શાંતિ અને પ્રાદેશિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનો પાકિસ્તાનનો સંકલ્પ સંપૂર્ણ છે, અમે સંપૂર્ણ રીતે તૈયારી છે, અને ખુબ જ ઝડપથી પ્રતિભાવ આપવામાં આવશે, જે નિર્ણાયક હશે."
વૈશ્વિક અશાંતિના માહોલ વચ્ચે પરમાણુ હથિયાર ધરાવતા બે પાડોશી દેશોના સંરક્ષણ પ્રધાનો દ્વારા આવા ઉગ્ર નિવેદનો ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે.