બલુચિસ્તાન પ્રાંતઃ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં કોલસાની એક ખાણમાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, તેમાં 32 લોકોના મોત થયાં છે. આ સાથે 10થી વધારે લોકો હજી પણ જમીન નીચે ફસાયેલા હોવાનું પણ જાણવા મળ્યં છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે તે લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ બ્લાસ્ટ કોલસાની ખીણમાં મિથેન ગેસ જમા થવાના કારણે થયો હોવાનું જાણવા મળ્યું છે.
મિથેન ગેસના કારણે બ્લાસ્ટ થયો હોવાની આંશકા
આ ભીષણ બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં થયો છે. અધિકારીઓના સત્તાવાર નિવેદન પ્રમાણે બ્લાસ્ટ થયાના એક કલાક પછી 7 લોકોના મૃતદેહ મળ્યાં હતા. તે પછી રાહત અને બચાવ કામગીરી દરમિયાન અન્ય 25 મૃતદેહ મળી આવ્યાં હતાં. અત્યારે પણ શોધખોળની કામગીરી કરવામાં આવી રહી છે. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
મોતના આંકડામાં વધારો થવાની સંભાવના
ખાણ નિરીક્ષક ગની બલોચે કહ્યું અત્યારે બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી અંદર ફસાયેલા તમામ લોકો મળી નહીં જાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખવામાં આવશે. આશંકા એવી છે કે, મોતના આંકડામાં હજી મોટો વધારો થઈ શકે છે. ખાણ નિરીક્ષક ગની બલોચનું કહેવું છે કે, આ બ્લાસ્ટ મિથેન ગેસના કારણે થયો હોવાથી અંદર કોઈ જીવીત હોય તેની સંભાવના ખૂબ જ ઓછી છે. કારણ કે, મિથેન ગેસના કારણે ઓક્સિજનનું સ્તર એકદમ શૂન્ય થઈ જતું હોય છે. બચાવકાર્ય માટે જઈ રહેલા સુરક્ષાકર્મીઓ પણ સાવધાની સાથે આગળ વધી રહ્યાં છે.
મૃતકોના પરિવારને રૂપિયા 5 લાખની સહાયની જાહેરાત
અત્યાર સુધી જેટલા લોકોના મૃતદેહ મળ્યાં છે કે, તે મૃતદેહો તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યાં છે. આ સાથે અંદર ફસાયેલ લોકો જીવતા હશે તેવી આશા સાથે તેમના પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે. બલુચિસ્તાનના ખાણ અને ખનિજ મંત્રી, શોએબ નોશેરવાનીએ પીડિતો માટે પોતાની સંવેદનાઓ જાહેર કરી છે. આ સાથે મૃતકોના પરિવારને રૂપિયા 5 લાખની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.