Wed Aug 26 2026

Logo

'હાજી રમકડું', રતિલાલ બોરીસાગર સહિત 5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત!

2026-05-25 18:26:00
Author: Devayat Khatana
'હાજી રમકડું', રતિલાલ બોરીસાગર સહિત 5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત!

નવી દિલ્હી: પાટનગર દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે  પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ વર્ષે 13 વ્યક્તિઓને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે, જ્યારે 113 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે પાંચ લોકોને પદ્મવિભૂષણ આપવામાં આવ્યો હતો, જેમાં ધર્મેન્દ્ર, કેટી થૉમસ, એન. રાજન, પી. નારાયણન અને વીએસ અચ્યુતાનંદનનો સમાવેશ થાય છે. જેમાં પાંચ ગુજરાતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

આજે 2026 ના પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિએ 66 પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા, જેમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મ ભૂષણ અને 58 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. બાકીના પદ્મ પુરસ્કારો પછીથી યોજાનાર નાગરિક સન્માન સમારોહના બીજા રાઉન્ડમાં આપવામાં આવશે. આ પહેલા રાઉન્ડમાં પાંચ ગુજરાતી  મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પાંચ લોકોમાં રતિલાલ બોરીસાગર (સાહિત્ય અને શિક્ષણ), મીર હાજીભાઈ કાસમભાઈ, 'રમકડું '(કળા), નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલે (સામાજિક કાર્ય), ધાર્મિકલાલ ચૂનીલાલ પંડ્યા (કળા) અને અરવિંદ વૈદ્ય (કળા)નો સમાવેશ થાય છે.

આ મહાનુભાવોમાં રતિલાલ બોરીસાગ એ ગુજરાતી ભાષાના હાસ્યલેખક, નિબંધકાર  છે, આમ તો મૂળે શિક્ષક, અધ્યાપક હતા. તેમની કૃતિઓમાં 'મરક મરક', 'આનંદલોક'  તેમજ આત્મકથનાત્મક હાસ્યરસિક નવલકથા 'એન્જૉયગ્રાફી'નો સમાવેશ થાય છે. આ સાથે જ  માણભટ્ટ કળાને જીવંત રાખવા બદલ ધાર્મિકલાલ પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું.  ગુજરાતની વર્ષો જૂની માણભટ્ટ કળાને તેમણે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી પહોંચાડી છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં અંદાજે 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.

 આ સાથે જ સૌરાષ્ટ્રના લોકડાયરામાં જેમનું નામ ખૂબ ખ્યાત છે તેવા જૂનાગઢના વતની અને 'હાજી રમકડું' ઉપનામથી જાણીતા ઢોલકવાદક હાજીભાઈ કાસમભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હાજીભાઈ તેમની વિશેષ ઢબથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. ભજનો, સંતવાણી, ગઝલો અને કવ્વાલીમાં તેઓ મોટું નામ છે. તેઓ લગભગ છેલ્લાં 60 વર્ષથી ઢોલક વગાડે છે. તે ઉપરાંત સન્માન પામનારા અરવિંદ વૈદ્ય જાણીતા ગુજરાતી અભિનેતા અને દિગ્દર્શક છે. તેમણે સારાભાઈ વિ. સારાભાઈ, અનુપમા જેવા પ્રખ્યાત ટીવી સિરિયલો અને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં તેઓ મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ તેમજ ટીવી અને ફિલ્મક્ષેત્રે દિગ્દર્શક તરીકે કાર્યરત્ છે.