આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે દુનિયાભરમાં મોટા પ્રમાણમાં રોજગારી છીનવાઈ જશે એવી ચેતવણી લાંબા સમયથી અપાય છે અને અમેરિકન આઇટી કંપની ઓરેકલે આખી દુનિયાને તેનું ટ્રેલર બતાવી દીધું. હજુ આર્ટિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શરૂઆતના તબક્કામાં જ છે ને તેની બહુ મોટી અસર વર્તાવા નથી માંડી ત્યાં જ ઓરેકલે એક સાથે લગભગ 30 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકીને સોપો પાડી દીધો છે. ભારત માટે મોંકાણના સમાચાર એ છે કે આ છટણીમાં ભારતના જ 12 હજાર કર્મચારીઓનો વારો પડી ગયો છે. મતલબ કે, તગેડી મુકાયા તેમાંથી 40 ટકા કર્મચારી તો ભારતના જ છે.
બીજા મોંકાણના સમાચાર એ છે કે, કંપની આગામી એક મહિનાની અંદર છટણીનો બીજો રાઉન્ડ કરવાની છે તેથી ભારતમાં ઓરેકલ કંપની માટે કામ કરતા કર્મચારીઓ પર અત્યારથી તલવાર લટકવા માંડી છે. ભારતમાં ઓરેકલના 30 હજાર કર્મચારીઓ છે ને તેમાંથી 12 હજારને તો ઘરભેગા કરી દેવાયા એટલે 18 હજાર કર્મચારી બાકી રહ્યા. આ બચેલા 18 હજાર કર્મચારી આજની તારીખથી જ ફફડતા જીવે રહેશે ને મહિના પછી પોતાનો વારો તો નહીં પડી જાય ને તેની ચિંતામાં દાડા કાઢશે. મહિના પછી જેમનો વારો પડશે તેમની હાલત તો બગડશે જ પણ જે બચી જશે તેમને જલસા એવું પણ નથી. કંપની છટણીના નવા રાઉન્ડમાં પોતાનો વારો ના પાડી દે તેની ચિંતામાં એ લોકોની ઊંઘ તો પછી હરામ થવાની જ છે.
કંપનીએ આટલા મોટા પાયે છટણી કરી એ તો આઘાતજનક છે જ પણ વધારે આઘાતજનક વાત એ છે કે, કર્મચારીઓને આગોતરી કોઈ જાણ નથી કરાઈ અને કર્મચારીઓને 1 એપ્રિલે વહેલી સવારે છ વાગ્યે માત્ર એક ઇમેલ મોકલીને નોકરીમાંથી કાઢી મૂકવાની જાણ કરી દેવાઈ. કંપનીના કર્મચારીઓએ 31 માર્ચ લગી તો કશું અજુગતું બનવાનું છે તેના અંદેશા વિના કામ કર્યું ને 1 એપ્રિલે સવારે નોકરીમાંથી છૂટા કર્યાનો મેલ આવી જતાં 30 હજાર કર્મચારીઓ માટે જાગીને જોયું તો જગત દીસે નહીં જેવો ઘાટ થઈ ગયો. કંપનીએ પાછી સત્તાવાર રીતે તો કોઈ માહિતી આપી જ નથી પણ જેમને ગડગડિયું પકડાવી દઈને છૂટા કરાયા તેમણે સોશ્યલ મીડિયા પર આપવીતી જણાવી ત્યારે ઓરેકલના કાંડની સૌને ખબર પડી.
કંપનીએ કર્મચારીઓને છૂટા કરવા માટે કોઈ કારણ પણ આપ્યું નથી. ઓરેકલ દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેલમાં એટલું જ લખ્યું છે કે, કંપનીમાં મોટા ફેરફાર થઈ રહ્યા હોવાથી એવો નિર્ણય લેવાયો છે કે, કર્મચારી તરીકે કંપનીમાં તમે જે હોદ્દા પર છો તેની હવે કોઇ જરૂર નથી રહી. કંપનીએ તગેડી મૂક્યા એ કર્મચારીઓ માટે સેવરન્સ પેકેજની જાહેરાત કરી છે પણ આ પેકેજ પણ શરતી છે. પેકેજમાં સ્પષ્ટ શરત છે કે, કોઈ પણ વિવાદ વિના રાજીનામું આપશે તેમને જ પેકેજ મળશે. આ પેકેજમાં પણ ઝાઝો ભલીવાર નથી ને સાવ ટુકડા ફેંકવા જેવું છે. પેકેજની શરતો પ્રમાણે, ભારતમાં એક વર્ષની સેવા પૂરી કરનાર કર્મચારીને 15 દિવસનો પગાર મળશે અને એક મહિનાનો નોટિસ પિરિયડનો પગાર અને પાત્રતાના આધારે ગ્રેચ્યુઇટી મળશે. કંપનીએ 2 મહિનાનો પગાર ‘ટોપ-અપ’ તરીકે આપવાની પણ ઓફર કરી છે. આ સિવાય લીવ એન્કેશમેન્ટ પણ અપાશે એવું ઈ-મેલમાં લખાયું છે.
આ પેકેજ શરમજનક છે ને તેના કારણે કર્મચારીઓના ત્રણેક મહિના ટૂંકા થવાથી વધારે કઈ ભલું થવાનું નથી. આઈટી સેક્ટરમાં મોટા ભાગે યુવાનો હોય છે કે જે બચત કરવામાં માનતા નથી. આઈટી સેક્ટરમાં મળતા ઊંચા પગારોના કારણે એ લોકો લોનથી કાર, ફ્લેટ વગેરે લક્ઝરી વસાવીને બેસી ગયા હોય છે. નોકરી જતાં તેના હપ્તા ભરવાની ત્રેવડ જ નહીં રહે. આઈટી સેક્ટરમાં અત્યારે ભયંકર મંદીનો માહોલ છે એટલે રાતોરાત કોઈને નોકરી મળવાની નથી તેથી તેમની હાલત વધારે ખરાબ થશે. આ માહોલમાં જેમણે સમજદારી બતાવી હશે એ લોકો ટકશે ને બાકીના કર્મચારીઓ રસ્તા પર આવી ગયા છે એમ જ માનવાનું.
ઓરેકલે સત્તાવાર રીતે કશું કહ્યું નથી પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે કંપનીએ આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. ઓરેકલ અને સામ ઓલ્ટમેનની ઓપન એઆઈ (OpenAI) ભેગાં મળીને 156 અબજ ડૉલરનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ ભાગીદારીમાં કરી રહ્યાં છે. ઓરેકલ અને ઓપનઆઈ એઆઈ ડેટા સેન્ટર્સ નેટવર્કને ઊભું કરવા માગે છે. એ માટે કંપનીને મોટા પાયે રોકડની જરૂર છે તેથી ઓરેકલે કર્મચારીઓને છૂટા કરી દીધા હોવાનું કહેવાય છે. ઓરેકલ આ છટણી કરીને લગભગ10 અબજ ડૉલરની રોકડ ઊભી કરશે તેથી એક વરસમાં કંપનીના હાથ પર આ પ્રોજેક્ટનાં નાણાં હશે. સ્વાભાવિક રીતે જ કંપની આટલું મોટું રોકાણ કરતી હોય તેનો અર્થ એ થાય કે, ભવિષ્યમાં કર્મચારીઓનું સ્થાન એઆઈ લેશે તેથી આ પ્રોજેક્ટ પાર પડશે એટલે ફરી મોટા પાયે છટણી થશે.
ઓરેકલની છટણી ભારત માટે ભયંકર સંકેત છે. ભારતમાંથી 12 હજાર કર્મચારીઓને છૂટા કરાયા ને 18 હજાર કર્મચારીઓ પર તલવાર લટકી રહી છે એ તો કારણ છે જ મોટું કારણ ધૂંધળું ભાવિ છે. ભારતનો આઈટી ઉદ્યોગ વિદેશી આઈટી કંપનીઓ પર નિર્ભર છે ને ઓરેકલની જેમ બીજી આઈટી કંપનીઓ પણ છટણી કરવા માંડે તો ભારતીયોની હાલત બગડી જાય. હૈદરાબાદ, બેંગ્લૂરુ અને પુણે જેવાં આઈટીનાં હબ ખતમ થઈ જાય.
આઈટીના ખતરાને લીધે અત્યારે ભારતની આઈટી કંપનીઓના શેરોમાં કડાકો બોલેલો જ છે ને લાખો રોકાણકારો રાતા પાણીએ રડી રહ્યા છે. ઓરેકલની જેમ બીજી કંપનીઓ પણ વર્તે તો આઈટી કંપનીના શેરોમાં વધારે કડાકો બોલે ને રોકાણકારો કદી ઊભા જ ના થઈ શકે એવી હાલત થઈ જાય.
ભારતને અત્યારે વિદેશી આઈટી કંપનીઓ પાસેથી મોટા પ્રમાણમાં આઉટસોર્સિંગ વર્ક મળે છે અને તેના કારણે જંગી વિદેશી હૂંડિયામણની કમાણી પણ થાય છે. ઓરેકલના રસ્તે બીજી કંપનીઓ પણ ચાલશે તો ધીરે ધીરે તેમાં ઓટ આવશે ને ભવિષ્યમાં સાવ નહિવત કામ મળતું હોય એવું પણ થઈ જાય તેથી ભારત માટે બેરોજગારી અને કમાણી બંધ થવી એમ બેવડો ખતરો છે.
ભારતે આ ખતરાને પહોંચી વળવા માટે અત્યારથી તૈયારીઓ કરવી પડે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય એ જોતાં ભારતે આ બેરોજગારી અને આવકમાં ઓટ એ બંને નુકસાનને પહોંચી વળવા શું કરવું એ વિશે નક્કર આયોજન કરવું જરૂરી છે. ભારત સેમીક્ધડક્ટર્સ સહિતનાં સેક્ટરમાં તાકાત વધારવા મથી રહ્યું છે પણ એ બધા સેક્ટર પણ વિદેશી કંપનીઓની દયા પર ચાલે છે એ જોતાં ભારતે પોતાનું કંઈક વિકસાવવું પડે.