Mon Jun 15 2026

Logo

ઓડિશામાં જમીન વિવાદમાં કળિયુગી પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડીના ઘા મારી કરી હત્યા

2026-06-15 08:58:00
Author: Vimal Prajapati
Article Image

જગતસિંહપુર: ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. અહીંના બાલીકુદા પોલીસ સ્ટેશન વિસ્તારના તેરતાંગ ગામમાં કૌટુંબિક વિવાદે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે એક પુત્રએ પોતાના જ પિતા અને સાવકી માતાની ઘાતકી હત્યા કરી નાખી. આ ડબલ મર્ડરની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને લોકો સ્તબ્ધ છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, પરિવારમાં પૈતૃક મિલકત અને જમીનની વહેંચણીને લઈને લાંબા સમયથી ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો. આરોપી પુત્ર તેની સાવકી માતાને મિલકતમાં હિસ્સો આપવાનો સતત વિરોધ કરતો હતો. રવિવારે આ વિવાદ અચાનક એટલો વણસ્યો કે વાત ઝઘડાથી વધીને લોહિયાળ ખેલ સુધી પહોંચી ગઈ. ગુસ્સામાં આવીને પુત્રએ કુહાડી વડે પોતાના પિતા અને સાવકી માતા પર અંધાધૂંધ હુમલો કરી દીધો હતો.

પોલીસે  હત્યારા પુત્રની ધરપકડ કરી

આ હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે પિતા અને સાવકી માતાનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બાલીકુદા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ સાથે જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે અને ગુનામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે.

જમીન અને પ્રોપર્ટીનો વિવાદ થઈ હત્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન અને પ્રોપર્ટીનો વિવાદ જ આ હત્યાકાંડનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકોની પૂછપરછ કરીને ઘટના પાછળના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. આ દર્દનાક ઘટનાએ સંબંધોને શરમસાર કર્યા છે અને સાબિત કર્યું છે કે કઈ રીતે મિલકતની લાલચ અને વધતો તણાવ લોહીના સંબંધોને પણ ખતમ કરી શકે છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સામે આવશે.