Thu Aug 20 2026

Logo

રાજકોટના મોટાભાગના ડેમ અડધાથી વધારે ખાલી, હજુ પણ વરસાદની ઘટી

2026-08-08 22:08:47
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 10 ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાનમાં 0.10 ફૂટથી બે ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઈ છે. રાજકોટ શહેરની ભાગોળે ન્યારા ગામ નજીક હનુમાનધારા પાસે આવેલા ન્યારી-2 ડેમમાં અડધો ફૂટ નવા નીરની આવક થતા ડેમની સપાટી 19.00 ફૂટ પહોંચી છે. કુલ 20,730 ફૂટની ઊંડાઇનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવામાં હવે એક ફૂટનું અંતર રહ્યું છે.આજની સ્થિતિએ ડેમ 1 ટકા સુધી ભરાય છે. જો હવે વધુ આવક થશે તો ડેમના દરવાજા ખોલવા પડે તેમ છે. 

નીચાણવાળા વિસ્તારોમાં હાઈએલર્ટ
આ કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાણીનું સ્તર વધતા એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે ફૂટ, ન્યારી-2માં અડધો ફૂટ, ખોડા પીપરમાં 0.13 ફૂટ, છાપરવાડી-2માં 0.33 ફૂટ, માલગઢમાં 0.33 ફૂટ, મોરબીમાં મચ્છુ-1માં 0.23 ફૂટ, જામનગર જિલ્લામાં આવેલા સપડામાં 0.33 ફૂટ નવા નીરની આવક થઈ છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સીઝનનો ઓછો વરસાદ થયો છે. આની સીધી અસર ખેડૂતને થઈ રહી છે. રાજકોટમાં વર્ષ 2019માં સૌથી વધારે 61 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે આ સીઝનમાં સતત 54 દિવસમાં માત્ર 18 ઈંચ જ વરસાદ થયો છે. 15મી જુનથી 8 ઓગસ્ટ સુધીના સમયગાળામાં આ સીઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં હજુ વરસાદની ઘટ વર્તાય રહી છે. શહેરના મુખ્ય સ્ત્રોત એવા આજી, ન્યારી અને ભાદરમાં પાણીનો ખાસ કોઈ ભરાવો નથી. 

અલનીનો અસર જોવા મળી
હવે શ્રાવણ મહિનો શરૂ થતા થોડો વરસાદ પડશે તો આ સ્ત્રોતમાં નવા નીરની આવક થશે એવું ખેડૂતો માની રહ્યા છે. રાજકોટ શહેરના ગ્રામ્ય પંથકમાં હજું પણ વરસાદની ઘટ છે. આ સીઝનમાં હજું થોડો વરસાદ પડે એવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે માત્ર રાજકોટ જ નહીં, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને કચ્છ સુધી વરસાદની ઘટ વર્તાય રહી છે. આગામી સીઝનમાં વરસાદની એક સિસ્ટમ એક્ટિવ થવાની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ખાસ કરીને આવનારા અઠવાડિયામાં હળવાથી ભારે વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વખતે અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો પડ્યો હોવાનું માનવામાં આવે છે.