લખનૌ: ઉત્તર પ્રદેશના નોઈડામાં સોમવારે કામદારો દ્વારા કરવામાં આવેલું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. જેમાં પગાર વધારા માટે પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ હિંસક બન્યા હતા. તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક વાહનો અને સંપત્તિને નુકસાન થયું હતું અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
જેના લીધે આ વિસ્તારમાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો છે. જેની બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હરકતમાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગીના નિર્દેશો પર કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ શ્રમ વિભાગે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
ઔદ્યોગિક વિવાદને ઉકેલવા માટે એક સમિતિની રચના
આ સમગ્ર ઘટના મુદ્દે મુખ્યમંત્રી યોગીના નિર્દેશો બાદ શ્રમ વિભાગે કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નોઈડામાં ઔદ્યોગિક વિવાદને ઉકેલવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ઔદ્યોગિક વિકાસ કમિશનર આ સમિતિના અધ્યક્ષ રહેશે. જ્યારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના અધિક મુખ્ય સચિવ (ACS) અને શ્રમ અને રોજગારના મુખ્ય સચિવ સમિતિના સભ્યો હશે. આ સમિતિમાં મજૂર સંગઠનોના પાંચ પ્રતિનિધિઓ અને ઉદ્યોગ સાહસિક સંગઠનોના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં અશાંતિ ભડકાવવાનું કાવતરું
સીએમ યોગીએ એક સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં એનડીએની 'ડબલ-એન્જિન' સરકાર સુરક્ષા, સુશાસન, સેવા અને ઔદ્યોગિકીકરણનું એક મોડેલ સ્થાપિત કરી રહી છે. જે યુવાનો માટે નોકરીઓ અને રોજગારની તકોની ખાતરી આપી રહી છે. જ્યારે આ બધું થઈ રહ્યું છે, ત્યારે કેટલાક વ્યક્તિઓ આ શાંતિને સમૃદ્ધિને અટકાવવા અશાંતિ ભડકાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.