હરિદ્વારઃ ઉત્તરાખંડમાં 19 એપ્રિલના રોજ ચારધામ યાત્રા શરૂ થઈ હતી. આ વખતે ભાવિકોમાં એક અનોખો આસ્થાભાવ અને ઉત્સાહ જોવા મળ્યો છે. મોટીસંખ્યામાં ભાવિકો ચારધામના દર્શન કરવા માટે આવી રહ્યા છે. શ્રદ્ધાભાવ સાથે દર્શન કર્યા બાદ ઉત્તરાખંડમાં ખીલી ઊઠેલી પ્રકૃતિ માણીને પ્રવાસીઓ ખુશખુશાલ થયા હતા. અત્યાર સુધીમાં ચારધામમાં 7 લાખ 72 હજારથી વધારે ભાવિકોએ દર્શન કરી લીધા છે. છેલ્લા 20 દિવસથી ચારધામ યાત્રામાં ભાવિકો સતત આગળ વધી રહ્યા છે.
હરિદ્વારમાં બેઝ કેમ્પ
આ વર્ષે ચારધામ યાત્રા શરૂ થયા બાદ કેદારનાથમાં 3,45,000 ભાવિકોએ દર્શન કર્યા છે. જ્યારે બદ્રીનાથમાં ભગવાન બદ્રીના 1,85,000 લોકોએ દર્શન કર્યા છે. યમુનોત્રીમાં આશરે 1,16,000 ભાવિકોએ શીશ નમાવ્યું છે જ્યારે ગંગોત્રીમાં 1,15,000 ભાવિકોએ દર્શન કરી લીધા છે. ચારધામ યાત્રા માટે આ વખતે હરિદ્વાર બેઝકેમ્પ તરીકે છે. દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ભાવિકો અહીં આવીને ગંગામાં ડૂબકી લગાવીને યાત્રાનો પ્રારંભ કરે છે. ઋષિકેષ થઈને આ યાત્રા આગળ વધી રહી છે. હજુ પણ મોટી સંખ્યામાં ભાવિકો હરિદ્વાર ચારધામ યાત્રા માટે આવી રહ્યા છે. વિષમ હવામાન અને પડકારજનક સ્થિતિને કારણે અત્યાર સુધીમાં યાત્રામાં હેલ્થ ઈસ્યૂના કારણે 29 ભાવિકોનું મૃત્યુ થયું છે.
ગત વર્ષ કરતા ઠંડી વધારે
આ વર્ષે ચારધામ યાત્રા ગંગોત્રી-યમુનોત્રી મંદિરના કપાટ ખુલતા જ શરૂ થઈ ગઈ હતી.22 એપ્રિલના રોજ કેદારનાથ મંદિર અને 23 એપ્રિલના રોજ બદ્રીનાથ મંદિરના કપાટ ખૂલ્યા હતા.હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાને મોક્ષદાયિની યાત્રા માનવામાં આવે છે.હિમાલયના પહાડીક્ષેત્રમાં આવેલા ચાર મંદિરના દર્શનથી યાત્રા પૂર્ણ થાય છે. આ વર્ષે બદ્રીનાથ ધામમાં ગત વર્ષ કરતા વધારે ઠંડી અનુભવાઈ રહી છે. વહેલી સવારે ક્યારેક વરસાદ પડે છે તો ક્યારેક રાત્રીનું મૌસમ અતિશય ઠંડુ થઈ જાય છે. આ વખતે સૌથી વધારે ભાવિકો કેદારનાથ જતા નોંધાયા છે. ઠંડી, ઘાટીલા રસ્તા, ચઢાણ, હિમવર્ષા અને લપસણા રૂટને કારણે આ યાત્રા થોડી કઠિન બને છે.
આરોગ્ય મંત્રીએ કરી મહત્ત્વની સ્પષ્ટતા
ઉત્તરાખંડના આરોગ્ય મંત્રી સુબોધ ઉનિયાલે જણાવ્યું હતું કે, ચારધામ માટે ખાસ ગાઈડલાઈન્સ અને હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. રજીસ્ટ્રેશન વખતે પણ આરોગ્ય સંબંધીત કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. હરિદ્વાર આવ્યા બાદ પણ જરૂરી ટેસ્ટ કરાવવા માટે સલાહ આપવામાં આવી છે. વધારે ઊંચાઈ અને ઠંડીના કારણે પ્રેશર વધી શકે છે. શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડી શકે છે. આ સિવાય એલ્ટિટ્યૂડ સિકનેસ થઈ શકે છે, જોકે આ વખતે દરેક તીર્થધામમાં હેલ્થ ટીમને એલર્ટ રાખવામાં આવી છે. પ્રાથમિક સારવાર આવા કેમ્પમાંથી જ શરૂ કરી દેવામાં આવે છે. 400 જેટલા ડૉક્ટર્સની ટીમને ખાસ તહેનાત કરવામાં આવી છે.