વાયનાડ: બિહાર અને દિલ્હીમાં તાજેતરમાં મહિલાઓ સાથેની છેડછાડની ઘટના બાદ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ અને વાયનાડમાં બોલતા તેમણે કેન્દ્ર અને રાજય સરકારને મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા નક્કર પગલાં લેવાની માંગ કરી છે.
મહિલાઓ વિરુદ્ધ હિંસક ગુનાઓ વધ્યા
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે મહિલાઓ વિરુદ્ધના આવા ગુનાઓ માત્ર વધી જ નથી રહ્યા પરંતુ તે વધુને વધુ હિંસક પણ બની રહ્યા છે. તેમજ જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને અપીલ કરી છે.
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઇએ
વાયનાડમાં મીડિયા સાથે વાતચીત કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મહિલાઓ માટેનું વાતાવરણ પહેલેથી જ અસુરક્ષિત હતું અને હવે પરિસ્થિતિ વધુ બગડી રહી છે. મહિલાઓ માટે વાતાવરણ હંમેશાં અસુરક્ષિત રહ્યું છે. પરંતુ તેમની વિરુદ્ધની હિંસા વધુને વધુ ક્રૂર બની રહી છે. મારું માનવું છે કે જો આપણે રસ્તાઓ પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકીએ, તો મોટી યોજનાઓ અને કાર્યક્રમો વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.
સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ખરેખર એક એવી બાબત છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. રાજ્ય સરકારોએ અને ખાસ કરીને કેન્દ્ર સરકારે એ વિચારવું જોઈએ કે મહિલાઓને સુરક્ષિત અનુભવ કરાવવા માટે તેઓ કેવા પગલાં લેવા માંગે છે.