Thu Jun 25 2026

Logo

'આતંકના આકાઓ સુધી સિંધુ નદીનું પાણી નહીં પહોંચવા દઈએ', રાજનાથ સિંહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

2026-06-13 13:27:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું છે કે આતંકના આકાઓ (પાલનપોષણ કરનારાઓ) સુધી સિંધુ નદીનું પાણી પહોંચવા નહીં દઈએ. સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત શાંતિની ભાષા ન સમજનારાઓને જવાબ આપતા સારી રીતે જાણે છે, અને જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી ચાલતા આતંકવાદને સંપૂર્ણ રીતે બંધ નહીં કરે, ત્યાં સુધી આ જળ-વહેંચણી કરાર (સિંધુ જળ સંધિ) મોકૂફ જ રહેશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હૈદરાબાદમાં આયોજિત એક 'બુદ્ધિજીવી સંમેલન' (ઇન્ટેલેક્ચ્યુઅલ મીટ) ને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે 'ઓપરેશન સિંદૂર' અને પહલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિ (IWT) ને મોકૂફ રાખવા અંગેની વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા સરકારે દુનિયાને બતાવી દીધું છે કે તે એવા લોકોને જવાબ આપવાનું જાણે છે જેઓ શાંતિ અને ભાઈચારાની ભાષા નથી સમજતા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "પહલગામ આતંકી હુમલા બાદ, સિંધુ જળ સંધિ (IWT) ને મોકૂફ રાખીને અમે એ સંદેશ આપ્યો હતો કે જેમના આંસુ સુકાઈ ગયા છે, તેમણે અમારી પાસેથી પાણીની આશા ન રાખવી જોઈએ. અમે સિંધુ નદીનું પાણી આતંકવાદીઓ અને માનવતાના દુશ્મનોના આકાઓ સુધી પહોંચવા નહીં દઈએ."

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીના વપરાશ અંગે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ઐતિહાસિક 'સિંધુ જળ સંધિ' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જોકે, ગયા વર્ષે પહલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને, ભારતે આ સંધિને ત્યાં સુધી સ્થગિત કરી દીધી છે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી થતા આતંકવાદને સંપૂર્ણ અને વિશ્વસનીય રીતે બંધ ન કરી દે.

સંધિઓ અને જમીની હકીકત

પહલગામ હુમલા બાદથી ભારતનો સ્પષ્ટ સંદેશ રહ્યો છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ જમીની હકીકત અને દેશની સુરક્ષાથી અલગ રહીને કામ ન કરી શકે. ભારતનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આ "અસામાન્ય દુશ્મનાવટ" અને આતંકી પ્રવૃત્તિઓને બંધ નહીં કરે, ત્યાં સુધી દુનિયાનો આ સૌથી ચર્ચિત પાણીની વહેંચણીનો કરાર વ્યવહારિક રીતે મોકૂફ (સ્થગિત) જ રહેશે.