Thu Sep 03 2026

Logo

મહારાષ્ટ્રમાં રાજકીય સંગ્રામ: નિતેશ રાણેએ ઓવૈસીની તુલના લાદેન સાથે કરતા વિવાદ, AIMIM એ કરી મોટી માંગ

2026-05-11 19:03:02
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં રાજકીય સંગ્રામ: નિતેશ રાણેએ ઓવૈસીની તુલના લાદેન સાથે કરતા વિવાદ, AIMIM એ કરી મોટી માંગ

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપ નેતા નિતેશ રાણેએ ઓલ ઈન્ડિયા મજલિસ - એ - ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની અલ-કાયદાના ભૂતપૂર્વ વડા ઓસામા બિન લાદેન સાથે સરખામણી કરવાના વિવાદાસ્પદ નિવેદન પર પક્ષના નેતા વારિસ પઠાણે તીક્ષ્ણ પ્રહાર કર્યા બાદ મહારાષ્ટ્રમાં એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે.

આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા પઠાણે રાણેને મહારાષ્ટ્ર કેબિનેટમાંથી તાત્કાલિક દૂર કરવાની માંગ કરી અને તેમના પર નફરત અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. "આવા નિવેદનો આપનારા તેઓ કોણ છે? અમે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને અપીલ કરીએ છીએ કે તેમને તાત્કાલિક દૂર કરે," પઠાણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું.

એઆઈએમઆઈએમ નેતાએ વધુમાં પ્રશ્ન કર્યો કે 'એક પ્રધાન પાંચ વખત સંસદસભ્ય વિરુદ્ધ આવી ટિપ્પણી કેવી રીતે કરી શકે છે. નફરત અને ખોટી માહિતી ફેલાવી રમખાણો ભડકાવતી  તમારી શાખાઓ પર પ્રતિબંધ મૂકો.'

રવિવારે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં રાણેએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પર આતંકવાદી સંગઠન તરીકે કામ કરવાનો આરોપ મૂક્યા  બાદ આ વિવાદ શરૂ થયો હતો. 

તેમણે કહ્યું હતું કે  એઆઈએમઆઈએમ આતંકવાદી સંગઠન છે. ઓસામા બિન લાદેન અલ-કાયદા દ્વારા જે કામ કરતો હતો તે હવે  એઆઈએમઆઈએમ દ્વારા અસદુદ્દીન ઓવૈસી કરી રહ્યા છે.'