Wed Aug 26 2026

Logo

નીરમા કંપનીના એમડીના હેલિકૉપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ થતાં દુર્ઘટના ટળી

2026-05-13 17:38:44
Author: Pooja Shah
નીરમા કંપનીના એમડીના હેલિકૉપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ થતાં દુર્ઘટના ટળી

અમદાવાદઃ ગુજરાતમાં નવસારીમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. નીરમા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (એમડી)  હિરેન પટેલ સહિત પાંચ લોકોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરમાં અચાનક ખામી સર્જાતા થોડી ક્ષણો માટે ગભરાટ ફેલાયો હતો, પરંતુ પાયલટ્સની સતર્કતાને લીધે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું અને તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટર અમદાવાદથી સુરત અને ત્યારબાદ સુરતથી મુંબઈ જવા નીકળ્યું હતું.  દરમિયાન નવસારી પાસે હવામાં હેલિકોપ્ટરમાં અચાનક કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. ખામી સર્જાતા હેલિકોપ્ટરમાં બેસેલા લોકોનો જીવ અધ્ધર થયો હતો.

આ સમયે કેપ્ટન કરણસિંહ દહિયા અને કુલદીપ મહેતાએ સમયસૂચકા વાપરી મગોબ બાઠા ગામ પાસે એક ખુલ્લા મેદાનમાં હેલિકોપ્ટર લેન્ડ કર્યું હતું. માનવવસ્તીથી દૂર લેન્ડિંગ કરી તેમણે સંભવિત જાનહાનિ ટાળી હતી. જોકે હેલિકોપ્ટર લેન્ડ થતાં આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. હાલમાં હેલિકોપ્ટરની તપાસ ચાલી રહી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.