નવી દિલ્હીઃ ભારતના કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જ્યંત ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનુ પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જ્યંત ચૌધરીને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. આ ધમકી મામલે જયંત ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી મળે તે નાની વાત નથી. જેથી આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાનને ધમકી મળતા મામલો ગંભીર બન્યો
પોલીસ ફરિયાદ પ્રમાણે 18 માર્યે સવારે 11 વાગ્યાની આસપાસ જયંત ચૌધરીના ફોન પર 7797623577 નંબરથી અજાણ્યા ફોન આવ્યો હતો. જયંત ચૌધરીએ ફોન ઉપાડ્યો એટલે સામે રહેલા વ્યક્તિએ ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. એમપી5 જેવા હથિયારથી તેમને મારી નાખશે એટલું કહીને પછી ફોન કાપી નાખ્યો હતો. આ જ નબંરથી વોટ્સએપ પર પણ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં કોઈ સરકારી પ્રોગ્રામની વાત હતી અને તેમાં સ્પષ્ટ રીતે ગોળી મારી દેવાની વાત લખી હતી. આ મેસેજ સાથે આરોપીએ લોકેશન અને કેટલાક વોઈસ મેસેજ આવી રહ્યા હતા, તેમાં પણ ધમકીઓ આપવામાં આવી હતી.
ફોન પર મળેલા તમામ પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ
ધમકીની આ ઘટના પછી તરત જ મંત્રીજીએ તુઘલક રોડના સ્ટેશન હાઉસ ઓફિસરને ફોન દ્વારા જાણ કરી અને અમારા મોબાઇલ ફોન પર મળેલા તમામ પુરાવા પોલીસને મોકલી આપ્યા હતાં. ફરિયાદ પ્રમાણે જયંત ચૌધરીના ઘરની આસપાસ કોઈ અજાણ્યો વ્યક્તિ રેકી કરી રહ્યો છે, જેથી ચિંતા વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાત્રે 9:00 થી 10:00 વાગ્યા વચ્ચે એક સફેદ રંગની સ્વીફ્ટ ગાડી ઘર આસપાસ ફરતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યું છે?
પ્રશ્ન એ થઈ રહ્યો છે, જયંત ચૌધરીને કોણ અને શા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યું છે? કેન્દ્રીય પ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. 47 વર્ષીય જયંત ચૌધરી અત્યારે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ છે, અને એનડીએની સરકારમાં તેઓ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શિક્ષણ રાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.