Tue Aug 25 2026

Logo

દેશમાં મોટો આતંકી હુમલો ટળ્યો: NIAએ 7 વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા...

2026-03-17 22:06:16
Author: Mumbai Samachar Team
દેશમાં મોટો આતંકી હુમલો ટળ્યો: NIAએ 7 વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા...

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એક ચોક્કસ ઈનપુટના આધારે આતંકી પ્રવૃતિઓ સાથે જોડાયેલા સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો કોઈ મોટા પ્લાનમાં હોવાની વાત મળી છે. આ તમામ લોકો પકડાઈ જતા દેશ પરથી એક આતંકી હુમલો ટળ્યો છે, જે પકડાયા એ આરોપીઓમાંથી છ યુક્રેઈનના અને એક અમેરિકાનો નાગરિક છે. એમના પર આરોપ છે કે, તેઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા, એ પછી ગેરકાયદેસર રીતે ગુવાહાટી, મિઝોરમ થઈને બોર્ડર પાર કરીને મ્યાનમાર પહોંચ્યા હતા. 

ભારતના વિરોધમાં ટ્રેનિંગ લીધી
મ્યાનમાર જઈને ભારતની વિરૂદ્ધમાં થતી પ્રવૃતિઓમાં જોડાયા હતા. ડ્રોનથી હુમલો કરવા માટે જ્યાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી ત્યાં જઈને તાલિમ લીધી હતી. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર પકડાયેલા છ આરોપીઓમાંથી જે યુક્રેનના હતા તેઓ 14 યુક્રેની નાગરિક ગ્રૂપના સભ્યો હતા, અન્ય 9 જે નાસી છૂટ્યા એની તપાસ ચાલું છે. આ તમામ લોકો પોતાની સાથે ડ઼્રોન અને અન્ય સામાન-સામગ્રી લઈને ભારત આવ્યા હતા. આ કેસ અંગે એજન્સી તો કોઈ પ્રકારની સત્તાવાર વાતચીત કરી નથી.સુત્રોમાંથી વિગત મળી હતી કે, આરોપીઓ મ્યાનમારમાં કેટલાક આતંકી ગ્રૂપના સંપર્કમાં આવ્યા હતા. જે ભારતમાં અશાંતિ ફેલાવવા માટે એક્ટિવ થયા છે. 

આ તાલીમ આપવામાં આવી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા વિદેશી આરોપીઓએ મ્યાનમારમાં કેટલાક ભારતીય બળવાખોર જૂથોને ડ્રોન ચલાવવાની, ડ્રોન હુમલા કરવાની અને જૅમિંગ ટેકનિકની તાલીમ આપવાનું કામ કર્યું હતું. ઉપરાંત, તેમણે અન્ય પ્રકારની તાલીમ પણ આપી હતી. તેમના પર ભારતની અંદર સક્રિય પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને ગેંગોને નાણાકીય તેમજ અન્ય પ્રકારની મદદ પૂરી પાડવાના પણ આરોપ છે.ફંડિંગ માટે પૈસા ક્યાંથી આવ્યા? એનઆઈએ આ બાબતની પણ તપાસ કરી રહી છે કે તેના પાછળ કોણ હેન્ડલર છે? શું આ પાછળ કોઈ દેશનો હાથ છે કે પછી ભારતની બહારથી કાર્યરત કેટલાક આતંકવાદી સંગઠનોનું જાળું છે? જેમના હેન્ડલરોએ આ પ્રયાસ કર્યો હતો.