Sat Sep 05 2026

Logo

ન્યૂ ઝીલૅન્ડે મહિના પછી ફરી 175 રન બનાવ્યા અને હવે સાઉથ આફ્રિકાને હરાવ્યું

2026-03-17 16:26:53
Author: Ajay Motiwala
ન્યૂ ઝીલૅન્ડે મહિના પછી ફરી 175 રન બનાવ્યા અને હવે સાઉથ આફ્રિકાને હરાવ્યું

હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડે અહીં મંગળવારે સાઉથ આફ્રિકાને શ્રેણીની બીજી ટી-20માં હરાવીને મહિનાની અંદર 175 રનના ટોટલને શુકનિયાળ બનાવી દીધું હતું. ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) બૅટિંગ મળ્યા બાદ છ વિકેટે 175 રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકા માત્ર 107 રનમાં આઉટ થઈ જતાં કિવીઓનો 68 રનથી વિજય થયો હતો. 14મી ફેબ્રુઆરીએ ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન અમદાવાદની લીગ મૅચમાં ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ મળ્યા પછી સાત વિકેટે 175 રન કર્યા હતા, પણ સાઉથ આફ્રિકા (South Africa)એ ત્યારે 17 બૉલ બાકી રાખીને માત્ર ત્રણ વિકેટના ભોગે 178 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

રવિવાર, 15મી માર્ચે સાઉથ આફ્રિકાએ ન્યૂ ઝીલૅન્ડને 91 રનમાં ઑલઆઉટ કર્યા પછી સાત વિકેટે વિજય મેળવીને વર્લ્ડ કપની સેમિ ફાઇનલની હારનો બદલો લઈ લીધો હતો. કિવીઓએ સાઉથ આફ્રિકાને બે જ દિવસમાં પરાજિત કરીને પાંચ ટી-20 મૅચની સિરીઝ 1-1થી બરાબરીમાં લાવી દીધી છે.

ઓપનર ડેવૉન કૉન્વે (60 રન, 49 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) મંગળવારે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. ન્યૂ ઝીલૅન્ડના 175/6ના સ્કોરમાં કૉન્વેનું સૌથી મોટું યોગદાન હતું. સાઉથ આફ્રિકાના પેસ બોલર વિઆન મુલ્ડરે સૌથી વધુ બે વિકેટ તેમ જ બીજા ચાર બોલરે એક-એક વિકેટ મેળવી હતી.

જેમ રવિવારે કિવીઓની ટીમના 91 રનના પતનમાં જેમ્સ નીશૅમ ફક્ત 26 રન સાથે ટૉપ-સ્કોરર હતો એમ મંગળવારે સાઉથ આફ્રિકાના 107 રનના નાના સ્કોરમાં જ્યોર્જ લિન્ડે 33 રન સાથે ટૉપ-સ્કોરર હતો. ન્યૂ ઝીલૅન્ડના બે પેસ બોલર લૉકી ફર્ગ્યુસન અને બેન સીઅર્સે ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી. કૅપ્ટન મિચલ સૅન્ટનરે પણ બે વિકેટ લઈને સિરીઝ સમકક્ષ કરાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.