Wed Sep 16 2026

Logo

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે ₹103 કરોડના ખર્ચે બનશે નવી અત્યાધુનિક હોસ્ટેલ, 292 વિદ્યાર્થીઓની હશે ક્ષમતા

2026-03-19 11:04:00
Author: Mayur Patel
અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે ₹103 કરોડના ખર્ચે બનશે નવી અત્યાધુનિક હોસ્ટેલ, 292 વિદ્યાર્થીઓની હશે ક્ષમતા

અમદાવાદઃ શહેરમાં ગત વર્ષે એર ઈન્ડિયાનું AI 171 પ્લેન ઉડાન ભર્યાની ગણતરીની સેકંડોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન સહિત 260 લોકોના મૃત્યુ થયા હતા. આ દરમિયાન રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે, AI 171 પ્લેન ક્રેશનું સ્થળ બનેલા બી.જે. મેડિકલ કોલેજના અત્યંત ક્ષતિગ્રસ્ત હોસ્ટેલ સંકુલનું પુનઃનિર્માણ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્ટેલ સંકુલને તોડી પાડવામાં આવશે અને તે જ જગ્યાએ રૂ. 103 કરોડના ખર્ચે નવું, વિશાળ સંકુલ બનાવવામાં આવશે. એર ઇન્ડિયાના પ્રમોટર ટાટા ગ્રુપે આ પ્રોજેક્ટ માટે રૂ. 53 કરોડ આપ્યા છે.

નવી હોસ્ટેલની ક્ષમતા 292 વિદ્યાર્થીઓની હશે

સૂત્રોએ જણાવ્યું કે, અમે હોસ્ટેલ ફરીથી બનાવવાનો નિર્ણય લીધો છે. ટાટા ગ્રુપે અમને ખાતરી આપી હતી કે તેઓ નુકસાનની ભરપાઈ કરશે, અને તેમણે વચન મુજબના ભંડોળ પહેલેથી જ જમા કરાવી દીધા છે.   દુર્ઘટના સ્થળે નવા હોસ્ટેલ સંકુલના નિર્માણ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આગામી થોડા મહિનામાં બાંધકામ શરૂ થવાની અપેક્ષા છે. વર્તમાન સંકુલ, જેમાં અંદાજે 100 વિદ્યાર્થીઓની ક્ષમતા હતી, તેને પાડી દેવામાં આવશે અને નવી હોસ્ટેલની ક્ષમતા 292 વિદ્યાર્થીઓની હશે.

દુર્ઘટનામાં હોસ્ટેલ સંકુલને વ્યાપક નુકસાન થયું હતું. તેના કેટલાક ભાગો કાટમાળ સાથે અથડાયા હતા, જ્યારે મોટો હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો, જેના કારણે ઇમારતો બિનઉપયોગી બની ગઈ હતી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસની સુવિધા માટે સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું.

12 જૂન, 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171  ક્રેશ થઈ હતી. જેમાં 240 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા. વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ અને કેન્ટીન સંકુલ સાથે અથડાયું હતું. આ કરુણાંતિકામાં માર્યા ગયેલા 260 લોકોમાં ચાર MBBS વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્નીનો પણ સમાવેશ થાય છે.