Fri Sep 11 2026

Logo

પંચમહાલમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 2.79 કરોડનું કૌભાંડ, નકલી બિલો બનાવી ગ્રાન્ટ પાસ કરાવી

2026-05-01 21:08:21
Author: Vimal Prajapati
પંચમહાલમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 2.79 કરોડનું કૌભાંડ, નકલી બિલો બનાવી ગ્રાન્ટ પાસ કરાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ પંચમહાલ જિલ્લામાં સરકારી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અહીં સરકારી ગ્રાન્ટમાંથી રૂપિયા ખંખેરી લેવામાં આવ્યાં હોવાનું કૌંભાડ પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શિક્ષા અભિયાન અંતર્ગત સાધનોની ખરીદી કરવામાં આવી પરંતુ માત્ર કાગળ પર જ! માત્ર કાગળ પર સાધનોની ખરીદી કરીને અંદાજે 2.79 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આ કૌભાંડમાં બે કરાર આધારિત કર્મચારી અને ચાર એજન્સીઓની નામ પ્રકાશમાં આવ્યાં છે. 

સરકારી ગ્રાન્ટમાંથી રૂપિયા ખંખેરી લેવામાં આવ્યાં

કૌભાંડમાં સામેલ બે કરાર આધારિત કર્મચારી અને ચાર એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે આ કૌભાંડ 2024થી 2026 દરમિયાન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની કચેરી અને જિલ્લા પંચાયત ગોધરા ખાતે આચરવામાં આવ્યું હતું. આ માલે કચેરીના હિસાબી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

બનાટી બિલો બનાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી

પોલીસના જણાવ્યાં પ્રમાણે કરાર આધારિત કર્મી પૂજન જોષી અને નિતિન પટેલનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ બંને કર્મચારીએ સરકારી ધારા ધોરણ પ્રમાણે જે સાધનોની ખરીદી કરવાની હોય તેની ખરીદી કર્યા સિવાય માત્ર બનાટી બિલો બનાવી દીધા હતા. એટલું જ નહીં પરંતુ તેના આધારે સરકારી ગ્રાન્ટ પણ પાસ કરાવી દીધી અને તે રૂપિયા ચાર અલગ અલગ ખાનગી એજન્સીઓને ચૂકવી દીધા હતા. તપાસ દરમિયાન કુલ 2,79,59,816 રૂપિયાની ઉચાપત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ કૌભાંડ કેસમાં પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પૂજન જોશી, નિતિનકુમાર પટેલ, જે એસ કોમ્પ્યુટરના માલિક, રાજકોટ શ્રી રામ એન્ટરપ્રાઈઝના માલિક, રાજકોટ વેદીકા એન્ટરપ્રાઈઝના માલિક અને રાજકોટ અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં હજી અન્ય નામો પણ પ્રકાશમાં આવી શકે છે તેવું પોલીસે જણાવ્યું છે.