નીટ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, તણાવમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાથી મુદ્દો ગરમાયો
નવી દિલ્હીઃ NEET-UG પેપરલીકના મામલે આખા દેશમાં ઉહાપોહ મચી ગયો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. આ ગંભીર મુદ્દાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની સ્પેશિયલ બેન્ચે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે "આટલા મોટા વિવાદ પછી પણ કોઈ બોધ લીધો નથી તે અત્યંત દુઃખદ છે."
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી વિવિધ અરજીઓ પર એકસાથે સુનાવણી ચાલી રહી છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ભંગ કરીને મેડિકલ પરીક્ષાઓ માટે એક મજબૂત અને સ્વાયત્ત સંસ્થા બનાવવાની તથા આ મામલાની નિષ્પક્ષ CBI તપાસની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે કોર્ટે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી જવાબ માંગ્યો છે.
આ મામલે રાજકીય ગરમાવો પણ વધ્યો છે અને વિપક્ષ દ્વારા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન પાયલટે આ ઘટનાને માત્ર સરકારની નિષ્ફળતા નહીં, પરંતુ યુવાઓના ભવિષ્ય સાથેનો જઘન્ય અપરાધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના માતા-પિતા લાખો રૂપિયાનું દેવું કરીને બાળકોને ભણાવે છે, પરંતુ આ ભ્રષ્ટ વ્યવસ્થાએ તેમનો વિશ્વાસ તોડી નાખ્યો છે. તેમણે પોલીસ તંત્ર દ્વારા ન્યાય માંગતા પીડિત પરિવારો અને યુવાનો પ્રત્યે દર્શાવેલી સંવેદનહીનતાની આકરી નિંદા કરતા કહ્યું કે સિસ્ટમની નિષ્ફળતાથી ગયેલા જીવની સંપૂર્ણ જવાબદારી સરકારની છે, તેથી શિક્ષણ પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને તરત જ રાજીનામું આપવું જોઈએ.
પેપર લીક અને પરીક્ષા રદ્દ થવાના આ સમગ્ર વિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ગોંડેગાંવ ગામના એક ખેડૂતે દાવો કર્યો છે કે તેમની 18 વર્ષની પુત્રી મૈથિલી અશોક સોનવણે, જે ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ રહી હતી, તેણે NEET-UG પેપર લીક અને પરીક્ષા રદ્દ થવાના કારણે ઉભા થયેલા ભારે માનસિક તણાવના લીધે આત્મહત્યા કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 18 વર્ષીય વિદ્યાર્થિની મૈથિલીએ 16 મેની સવારે પોતાના ખેતરમાં એક ઝાડ સાથે લટકીને કથિત રીતે ફાંસો ખાઈ લીધો હતો. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને ખેડૂત પિતાના દાવાની સઘન તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને અન્ય તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.