Sun May 24 2026

Logo

NEET પેપર લીક મુદ્દે રાહુલ ગાંધી આક્રમક: 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી શાંત બેસીશું નહીં'

2026-05-24 18:04:05
Author: Devayat Khatana
Article Image

રાહુલ ગાંધીએ પીએમ મોદીના મૌન પર સવાલો ઊઠાવ્યા, NSUIના વિરોધ પ્રદર્શનનો વીડિયો શેર કર્યો

નવી દિલ્હી: NEET-UG પરીક્ષા વિવાદ મામલે રાજનીતિ ગરમાયેલી છે. આ મુદ્દે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ પ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે અને પરીક્ષા પ્રણાલીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી કોંગ્રેસ શાંત બેસશે નહીં.

આ મુદ્દે આજે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર હૈદરાબાદમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સાથેની પોસ્ટમાં તેમણે વડા પ્રધાન મોદીના મૌન અંગે પ્રહાર કરતા લખ્યું હતું કે જ્યારે દેશના લાખો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હોય અને 22 લાખથી વધુ વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગેલું હોય, ત્યારે સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે.

ગત 3 મેના દેશના 551 શહેરમાં લેવાયેલી નીટ-યુજીની પરીક્ષા પેપર લીકના કારણે રદ કરવામાં આવી હતી, જેનાથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા હતા. આ ગંભીર ઘટનાને પગલે સરકારે મામલાની ગંભીરતા સમજી તપાસ સીબીઆઈ (CBI)ને સોંપી હતી. ત્યાર બાદ સીબીઆઈ દ્વારા કેસ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સીબીઆઈની તપાસમાં આ પેપર લીક પ્રકરણના તાર રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણા સહિતના અનેક રાજ્યો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સી દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડોમાં મુખ્ય સૂત્રધારો ઉપરાંત કેટલાક શિક્ષકોનો પણ સમાવેશ થાય છે, જેમની પાસેથી લીક થયેલું પેપર જપ્ત કરવામાં આવ્યું છે.