Mon May 18 2026

Logo

NEET પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયુંઃ શિક્ષણ પ્રધાન વિરૂદ્ધ કોંગ્રેસે પાઠવી વિશેષાધિકાર ભંગની નોટિસ

2026-05-18 20:51:26
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં NEET-UG 2026 પરીક્ષા પેપર લીક અને ત્યારબાદ પરીક્ષા રદ થવાના વિવાદ વચ્ચે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને સુપરત કરવામાં આવેલી આ નોટિસમાં રમેશે આક્ષેપ કર્યો છે કે, શિક્ષણ મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંસદ અને તેની સ્થાયી સમિતિઓની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જે અત્યંત આપત્તિજનક છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સોશિયલ મીડિયા પર આ અંગેની વિગતો શેર કરતા લખ્યું કે, તેમણે સંસદની સર્વોચ્ચતા જાળવી રાખવા માટે રાજ્યસભાના નિયમ 187 હેઠળ આ કાનૂની નોટિસ આપી છે. તેમણે શિક્ષણ પ્રધાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાન અત્યારે એવા મંત્રાલયનું નેતૃત્વ કરી રહ્યા છે જે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યું છે. 15 મેના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શિક્ષણ પ્રધાને સંસદીય સમિતિ વિરુદ્ધ જે શબ્દો વાપર્યા છે, તે સંસદ પ્રત્યેની તેમની અનાદરની ભાવના અને અહંકારને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ સમગ્ર વિવાદના મૂળ 15 મે 2026ના રોજ યોજાયેલી એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ સાથે જોડાયેલા છે, જ્યાં ધર્મેન્દ્ર પ્રધાન નીટ-યુજી પેપર લીક મામલે મીડિયાના પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતા. આ દરમિયાન પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો હતો કે શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ખામીઓ અંગે સંસદની સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલી મહત્વની ભલામણોનો અમલ કેમ ન કર્યો? આ સવાલ સાંભળતા જ શિક્ષણ પ્રધાને સંસદીય સમિતિના અહેવાલ અને તેની ભૂમિકાને નકારી કાઢતો જવાબ આપ્યો હતો, જેની સામે હવે વિપક્ષે મોરચો ખોલ્યો છે.

જયરામ રમેશ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, પત્રકારોના સવાલ પર શિક્ષણ પ્રધાને તદ્દન બિનજવાબદાર વલણ અપનાવતા કહ્યું હતું કે, "હું સંસદની સ્થાયી સમિતિ પર કોઈ ટિપ્પણી નહીં કરું. હું માત્ર નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય રાધાકૃષ્ણન સમિતિ વિશે જ વાત કરીશ. સંસદની સ્થાયી સમિતિમાં વિપક્ષના સભ્યો હોય છે અને તેઓ એક ચોક્કસ દ્રષ્ટિકોણથી જ બાબતો લખતા હોય છે, જે તમે પણ સારી રીતે જાણો છો."