Thu Sep 03 2026

Logo

કુરિયર કે ટપાલ નહીં, પણ પેપર માફિયાઓનો ખેલ ખતમ કરવા NEET ના પ્રશ્નપત્રો એરફોર્સ પહોંચાડશે!

2026-06-08 16:14:18
Author: Devayat Khatana
કુરિયર કે ટપાલ નહીં, પણ પેપર માફિયાઓનો ખેલ ખતમ કરવા NEET ના પ્રશ્નપત્રો એરફોર્સ પહોંચાડશે!

નવી દિલ્હી: NEET પરીક્ષામાં થયેલા પેપર લીક અને દેશવ્યાપી હોબાળામાંથી હવે કેન્દ્ર સરકારે શિખામણ લઈને એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. આગામી NEET પુનઃપરીક્ષા સંપૂર્ણપણે લીક-પ્રૂફ અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે દેશની સૌથી વિશ્વસનીય એવી ભારતીય વાયુસેના (IAF) ને તૈનાત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર,  આ વખતે વાયુસેના પ્રશ્નપત્રોની સુરક્ષિત ડિલિવરી અને તેને લીક થતાં અટકાવવા માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડશે.

મળતી વિગતો અનુસાર, આ વખતે પ્રશ્નપત્રોના પરિવહનની જવાબદારી કોઈ ખાનગી કુરિયર કે સામાન્ય સરકારી ટપાલ સેવાને સોંપવામાં આવી નથી. સુરક્ષાનો ઘેરો એટલો કડક છે કે પ્રશ્નપત્રોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની સંપૂર્ણ જવાબદારી ભારતીય વાયુસેના પોતે નિભાવશે. વાયુસેના દેશના 18 પસંદગીના અને મહત્વપૂર્ણ સ્થળોએથી પ્રશ્નપત્રોના પેકેટ્સ પોતાની કસ્ટડીમાં લેશે અને તેને નિર્ધારિત સમયમાં સંપૂર્ણ સુરક્ષા સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડશે.

સરકાર અને સુરક્ષા એજન્સીઓ આ વખતે NEET પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વાસ જાળવી રાખવા માટે કોઈ પણ સ્તરનું જોખમ લેવા માંગતી નથી. વાયુસેનાના સૂત્રોએ પણ ખાતરી આપી છે કે પરીક્ષા કોઈપણ ગરબડ વિના પૂર્ણ થાય તે માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકારના આ કડક કદમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રિન્ટિંગ પ્રેસથી લઈને પરીક્ષા કેન્દ્ર વચ્ચેના રસ્તામાં પેપર ફોડનારા 'સોલ્વર ગેંગ' અને 'લીક માફિયાઓ'ના નેટવર્કને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાનો છે.