ભરત ભારદ્વાજ
મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન NEETનું પેપર ફૂટી ગયું તેની સામે શરૂ થયેલા આંદોલન સામે અંતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઝૂકવું પડ્યું છે. મોદી સરકારે પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા માટે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી હજુ સ્વીકારી નથી પણ સોનમ વાંગચૂકને પારણાં કરાવવાં પડ્યાં ને પેપર લીક કેસમાં આકરી સજા કરાવવા માટે હજુ બે વર્ષ પહેલાં જ બનાવેલા કાયદામાં સુધારો કરવાની તૈયારી બતાવવી પડી એ જ બતાવે છે કે, કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ છે.
સૌથી મોટી વાત એ છે કે, વીસ દિવસથી ચાલતા આંદોલન અંગે એક હરફ પણ નહીં ઉચ્ચારનારા આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધરાતે વીડિયો મેસેજ મૂકીને વિદ્યાર્થીઓને ખાતરી આપવી પડી કે, પેપર લીકના કેસમાં હવે એકદમ ઝડપથી કાર્યવાહી કરાશે, કેસ ચલાવવા માટે ફાસ્ટ ટે્રક અદાલતો બનાવાશે અને કાયદામાં સુધારો કરાવીને આકરી સજાની જોગવાઈઓ સાથેનો નવો કાયદો અમલી બનાવાશે.
કલાકોમાં 2024ના કાયદામાં સુધારાની જોગવાઈઓ પણ તૈયાર થઈ ગઈ ને શુક્રવારે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રીવેન્શન ઓફ અનફેયર મીન્સ) એક્ટ, 2024માં સુધારાના મુસદ્દાને કેબિનેટે મંજૂરી પણ આપી દીધી. દિલ્હીમાં ફાસ્ટ ટે્રક કોર્ટ પણ સ્થપાઈ ગઈ ને પેપર લીક કેસનો ત્રણ મહિનામાં નિકાલ લાવવાનું ફરમાન પણ બહાર પાડી દેવાયું. કાયદામાં સુધારાનો ખરડો સોમવારે સંસદમાં રજૂ કરવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે એ જોતાં સરકાર અચાનક જ અકલ્પનિય સ્ફૂર્તિથી વર્તી રહી છે એ સ્પષ્ટ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ઘાંઘી થઈ ગઈ છે ને કોઈ પણ રીતે જેન-ઝીને રાજી કરીને આંદોલનનો સંકેલો કરાવવા માગે છે.
મોદી સરકાર કાયદામાં સુધારો કરીને પેપર લીક થતાં રોકી શકશે કે કેમ તેમાં શંકા છે કેમ કે કાયદો તો અત્યારે છે જ પણ છતાં પેપર લીક થાય જ છે. 2024માં નીટનું પેપર લીક થયું એ પહેલાં જ મોદી સરકારે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 બનાવી નાંખેલો. મે મહિનામાં પેપર લીક થયું જ્યારે ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા ખરડો પસાર કરી દેવામાં આવ્યો હતો. એ છતાં પેપર ફૂટી ગયું એટલે મોદી સરકારે જાહેરનામું બહાર પાડીને પાછલી અસરથી એટલે કે 21 જૂન, 2024થી તેનો અમલ શરૂ કરી દીધો હતો.
આ કાયદા હેઠળ સરકારી નોકરીઓની ભરતી માટેની પરીક્ષાઓમાં છેતરપિંડી બદલ ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ થાય છે. ગેંગ બનાવીને પેપર લીક કરવાને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગણીને ગેંગમાં સામેલ લોકોને પાંચથી 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ છે. પાંચ વર્ષની કેદની સજાની જોગવાઈ પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા, સેવા પૂરી પાડનાર અથવા અન્ય રીતે સામેલ સંસ્થા કે કંપનીઓને પણ લાગુ પડે છે. આ કાયદામાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સામેલ આરોપીઓની સંસ્થા કે કંપનીઓની મિલકતો જકરવાની પણ જોગવાઈ છે ને પરીક્ષાનો ખર્ચ સંસ્થા પાસેથી વસૂલવાની પણ જોગવાઈ છે.
આ બધી જોગવાઈઓ હોવા છતાં બે વર્ષમાં જ નીટનું પેપર ફૂટી ગયું એ શું બતાવે છે ? એ જ કે આ દેશમાં કાયદાનો કોઈને ડર નથી ને સરકારમાં આ ડર પેદા કરવાની તાકાત નથી. સરકારમાં તાકાત નથી કેમ કે, સરકારમાં બેઠેલા લોકો જ દમ વગરના છે અને ભ્રષ્ટ પણ છે. નીટ સહિતની પરીક્ષાઓ લેવા માટે બનાવાયેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે સરકારી એજન્સી પણ પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરોના ભરોસે ચાલે છે. કેમ ? આ સવાલનો જવાબ બધાં જાણે છે ને એટલે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) કે તેના કોન્ટ્રાક્ટરોને કશું કરાતું નથી પણ કાયદો બદલવા જેવાં ફાલતુ પગલાં લેવાં પડે છે.
બાકી દમ હોત તો એનટીએને વિખેરી નંખાઈ હોત ને હાલના કાયદા હેઠળ કોન્ટ્રાક્ટરોને અંદર કરીને આકરો દંડ વસૂલાયો હોત. મોદી સરકારે એવું કશું કર્યું નથી એ જ બતાવે છે કે, સરકારને ખરેખર રસ શામાં છે. આકરો કાયદો ને એ બધું તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવાની વાતો છે, અસલી કસોટી તો પેપર લીક જ ના થાય એવી સિસ્ટમ ઊભી કરવાની છે ને એ આ સરકારથી થતું નથી.
કાયદો આકરો થવાથી પેપર લીક થતાં બંધ થશે એવી આશા નથી પણ વિદ્યાર્થીઓના આંદોલને આ દેશમાં હજુ લોકશાહી જીવંત છે તેનો અહેસાસ કરાવ્યો તેનો આનંદ છે. સત્તા મળી ગઈ એટલે દેશ કોઈના બાપની જાગીર નથી બની જતો ને સત્તામાં બેઠા પછી મનફાવે એમ વર્તવાનો અધિકાર નથી મળી જતો તેનું ભાન ભાજપની સરકારને આ દેશના યુવાઓ એટલે કે જેન-ઝીએ કરાવી દીધું છે તેનો પણ આનંદ છે.
કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)આ આંદોલન શરૂ કર્યું ત્યારે સરકારમાં બેઠેલા લોકોએ આવુ તો બધું ચાલ્યા કરે એમ માનીને તેને ગણકારતા પણ નહોતા. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના કોઈ નેતા આ દેશના યુવાનોના મન કી બાતને સમજવા તૈયાર નહોતા. મોદી સાહેબ ઓસ્ટે્રલિયા ને ન્યુઝીલેન્ડ ને બધે ફર્યા કરતા હતા ને પેપર લીક વિશે એક શબ્દ બોલવાની તમા નહોતા કરતા.
હવે પેપર લીકને ઘોર પાપ ગણાવવું પડે છે, અક્ષમ્ય અપરાધ કહેવો પડે છે, અડધી રાત્રે મોદી સાહેબે વીડિયો મેસેજ મૂકવો પડે છે, યુવાનોને ફ્રેન્ડ્ઝ કહીને સંબોધવા પડે છે એ શું બતાવે છે ? સોનમ વાંગચૂકે 26 દિવસ પહેલાં ઉપવાસ શરૂ કરેલા ને સરકારમાં બેઠેલાં લોકોને વાંગચુક જીવે છે કે મરે છે તેની જ પડી નહોતી ને હવે અડધી રાત્રે મંત્રીઓને દોડાવીને વાંગચૂકને જ્યુસ પિવડાવીને પારણાં કરાવવાં પડે છે એ શું સૂચવે છે ? એ જ કે જનતા સર્વોપરિ છે ને જનતાની આંખ ફરે છે ત્યારે ભલભલાની છપ્પનની છાતી સંકોચાઈ જાય છે.
ભારતનું ભાવિ કેવું હશે એ ખબર નથી પણ એક વાતનો આનંદ છે કે, આ દેશના યુવાનોની નસોમાં વહેતું લોહી પાણી નથી થઈ ગયું. આ દેશમાં મીડિયા, કહેવાતા બુદ્ધિ જીવીઓ, ન્યાયવિદો, શિક્ષણવિદો વગેરે બધા જ નપાણિયા પુરવાર થયા, પેપર લીકના કારણે વીસ-વીસ છોકરાં-છોકરીઓએ આપઘાત કરીને જીવ આપી દીધા ને સરકાર કશું ના બન્યું હોય એ રીતે વર્તતી હતી તેની સામે કાયરતાપૂર્ણ મૌન ધરીને બેસી રહ્યા ત્યારે યુવાઓએ અવાજ બુલંદ કરીને અહંકારી સરકારને ઝૂકવાની ફરજ પાડી એ મોટી વાત છે. આ જુસ્સો અને ઝઝૂમવાની તાકાત જોઈને લાગે છે કે, આ દેશમાં હજુ મર્દાનગી જીવે છે. બે વર્ષ પહેલાં ઉત્તર ભારતના ખેડૂતોએ આ અહેસાસ કરાવેલો ને હવે જેન-ઝીએ કરાવ્યો.