જયપુર: સમગ્ર દેશમાં NEET પેપર લીક મુદ્દે ભરે હોબાળો મચેલો છે અને સરકાર હવે 21મી જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે આ વચ્ચે રાજસ્થાનના સીકર જિલ્લામાં એક NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. 22 વર્ષીય વિદ્યાર્થી આગામી 21 જૂને યોજાનારી NEET પરીક્ષામાં ત્રીજો પ્રયાસ આપવા માટે તૈયાર હતો પરંતુ અચાનક તેણે અંતિમ પગલું ભરી લેતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા મહિનામાં જિલ્લામાં NEET ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોવાનો આ બીજો કિસ્સો છે.
મળતી વિગતો અનુસાર, પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીની ઓળખ ઉમેશ માળી તરીકે થઈ છે, જે ઝુનઝુનુ જિલ્લાના નવલગઢનો વતની છે. તેના પિતા મુંબઈમાં ટાઇલ્સ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ઉમેશ તેની મોટી બહેન, નાના ભાઈ અને માતા સાથે NEET પરીક્ષાની તૈયારી કરતી વખતે સીકરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતો હતો.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતક વિદ્યાર્થીએ ઘરે કોઈને ન હોય તેવા સમયે તેના ફ્લેટમાં ફાંસો બનાવી આત્મહત્યા કરી લીધી હતી. બપોરે જ્યારે તેની બહેન અને નાનો ભાઈ ઘરે પરત આવ્યા ત્યારે આ દ્રશ્ય જોઈને હેબતાઈ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી, આમ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. તપાસ દરમિયાન રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. નોટમાં ઉમેશે લખ્યું હતું કે, "માફ કરશો! હું ખૂબ દૂર જઈ રહ્યો છું; મને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું."

જો કે સુસાઇડ નોટમાં આ પગલું ભરવા પાછળ કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. પોલીસ હાલમાં વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા પછી મૃતદેહ પરિવારને સોંપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ ફરી એકવાર સીકરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો પર પડી રહેલા માનસિક દબાણ તરફ સમાજનું ધ્યાન ખેંચી આપ્યું છે. આ પહેલા 15 મેના રોજ ભાડાના મકાનમાં રહીને NEET ની તૈયારી કરી રહેલા પ્રદીપ મહિચ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે પેપર લીક અને ત્યારબાદ NEET પરીક્ષા રદ થવાથી પ્રદીપ ખૂબ જ દુઃખી હતો અને આ તણાવને કારણે તેણે આત્મહત્યા કરી લીધી.
નોંધ: આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે અથવા તમારી ઓળખાણમાં કોઈ વ્યક્તિ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય અને માનસિક તણાવ કે આત્મહત્યાના વિચારો આવી રહ્યા હોય, તો કૃપા કરીને નીચે આપેલા હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરો. અહીં તદ્દન મફત (Toll-Free), ચોવીસ કલાક (24/7) અને ગુપ્ત રીતે કાઉન્સેલિંગ આપવામાં આવે છે.
1. ટેલી-માનસ (Tele-MANAS): 14416 અથવા 1800 891 4416
2. કિરણ હેલ્પલાઈન (KIRAN): 1800-599-0019
3. જીવન આસ્થા હેલ્પલાઈન (ગુજરાત પોલીસ): 1800-233-3330
4. સાથ (Saath Suicide Prevention Centre - અમદાવાદ): 079-26305544 અથવા 079-26300222